આણંદ: સરપંચ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર પર હુમલાનો આરોપ, મહિલા સરપંચ સહિત 5 સામે ગુનો નોંધાયો
હાલમાં ગંભીર રીતે દાઝેલા ભરત પઢીયાર અને તેમના પુત્રને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Published : January 5, 2026 at 4:27 PM IST
|Updated : January 5, 2026 at 5:07 PM IST
આણંદ: જિલ્લાના આંકલાવના અંબાવ ગામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર વ્યક્તિ પર હુમલાનો આરોપ લાગ્યો છે. આ મામલે મહિલા સરપંચ સહિત 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ભરત પઢીયાર નામના શખ્સ આગની જ્વાળામાં ઘેરાયેલા દેખાય છે. હાલમાં ગંભીર રીતે દાઝેલા ભરત પઢીયાર અને તેમના પુત્રને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે આંકલાવ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ખેડૂતે સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજી કરી હતી
આંકલાવ પોલીસ સ્ટેશનમાં ખેડૂત ભરત પઢીયારે નોંધાવેલી ફરિયાદ મુજબ, એક-બે મહિના પહેલા તેમણે ગામમાં મહિલા સરપંચના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે જિલ્લા વિકાસ અધિકારી, આંકલાવ તાલુકા વિકાસ અધિકારી તથા વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. 4 જાન્યુઆરીએ તેમના ઘરે ભજનનો કાર્યક્રમ હતો દરમિયાન એક ઈકો કાર ત્યાં આવી જેમાંથી ગામના મહિલા સરપંચ કોકીલાબેન પઢિયાર, તેમના પતિ, પુત્ર, ભાઈ તથા ભત્રીજો નીચે ઉતર્યા અને ખેડૂતને અપશબ્દો બોલીને માર મારવા લાગ્યા હતા.
ફરિયાદમાં ઉલ્લેખ મુજબ, આરોપીઓએ ખેડૂત ભરતભાઈને ધમકી આપી કે, અમારા વિરુદ્ધમાં ભ્રષ્ટાચારની અરજી કેમ કરે છે? આમ તેમને મારતા મારતા ગામના ચોરા સુધી લઈ ગયા અને કારમાંથી પ્રવાહી ગેલન કાઢીને છાંટી દીધું અને દિવાસળી ચાંપી દીધી. આ બનાવમાં ખેડૂત ભરતભાઈ ગંભીર રીતે દાજી ગયા હતા અને તેને બચાવવા દોડેલો તેમનો પુત્ર પણ દાજી ગયો હતો. બંનેને આંકલાવ સરકારી દવાખાના અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:

