ETV Bharat / state

અમરેલી: બગસરાના જૂના ઝાંઝરીયા ગામે કૂવામાં ખાબકતા બે યુવકોના કરુણ મોત, ખેતમજૂર ભાઈઓને કાળ ભરખી ગયો

વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં બે શ્રમિક યુવકો ખાબકતા બંનેના મોત નિપજ્યા છે.

અમરેલી: બગસરાના જૂના ઝાંઝરીયા ગામે કૂવામાં ખાબકતા બે યુવકોના કરુણ મોત, ખેતમજૂર ભાઈઓને કાળ ભરખી ગયો
અમરેલી: બગસરાના જૂના ઝાંઝરીયા ગામે કૂવામાં ખાબકતા બે યુવકોના કરુણ મોત, ખેતમજૂર ભાઈઓને કાળ ભરખી ગયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 6:11 PM IST

2 Min Read
Choose ETV Bharat

​અમરેલી: બગસરા તાલુકાના જૂના ઝાંઝરીયા ગામે ગઈકાલે રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં બે શ્રમિક યુવકો ખાબકતા બંનેના મોત નિપજ્યા છે. મૃતક યુવકો મૂળ રાજસ્થાનના વતની હોવાનું અને અહીં ખેત મજૂરી અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

​બચાવવા જતાં બંને કાળનો કોળિયો બન્યા

​પ્રાપ્ત વિગતો અનુસાર, જૂના ઝાંઝરીયા ગામે ખેત મજૂરી કરતા ગૌતમભાઈ શંકરભાઈ પણડા (ઉંમર ૨૮) રાત્રિ દરમિયાન અકસ્માતે કૂવામાં ખાબક્યા હતા. પોતાના સાથી અને ભાઈને કૂવામાં પડતા જોઈ રતના કાલિયાભાઈ પણડા (ઉંમર ૩૦) તેમને બચાવવા માટે તાત્કાલિક કૂવામાં ઉતર્યા હતા. પરંતુ કૂવો ઘણો ઊંડો હોવાથી અને બચાવના પૂરતા સાધનો ન હોવાને કારણે બંને યુવાનો કૂવાના પાણીમાં ડૂબી ગયા હતા.

અમરેલી ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન:

​ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અમરેલી ફાયર ઓફિસર હરેશભાઈ સરતેજા પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન અંગે વિગતો આપતા હરેશભાઈએ જણાવ્યું હતું કે, "મજૂરો ઊંડા કૂવામાં પડ્યા હોવાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. રાત્રિના અંધકાર અને ઊંડા પાણી વચ્ચે ફાયરની ટીમે જીવના જોખમે કૂવામાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બંને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંનેના શ્વાસ થંભી ગયા હતા."

​પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ:

​બંને યુવકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે બગસરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક અકસ્માત હોવાનું જણાય છે, પરંતુ ઘટના પાછળના અન્ય કારણોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

​મૃતકોની વિગત:

૧. ગૌતમ શંકરભાઈ પણડા (૨૮ વર્ષ), રહે. ખૂટાનગારાત, રાજસ્થાન

૨. રતનાં કાલિયાભાઈ પણડા (૩૦ વર્ષ), રહે. ખૂટાનગારાત, રાજસ્થાન

​રાજસ્થાનથી રોજીરોટી કમાવવા આવેલા બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને જૂના ઝાંઝરીયા ગામમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: