અમરેલી SOGનો મોટો સપાટો: નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ, ₹16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નકલી ઈફ્કો ખાતરના વેચાણના ગુનાની તપાસ દરમિયાન કડીઓ મળતા મોટા આંકડીયા ગામની 'નિરીમા એગ્રી પ્રોડક્સ' ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

Published : January 4, 2026 at 10:22 PM IST
અમરેલી: ખેડૂતો સાથે છેતરપિંડી કરી હલકી ગુણવત્તાનું નકલી ખાતર બનાવી વેચાણ કરતી ગેંગનો અમરેલી એસ.ઓ.જી. (SOG) ટીમે પર્દાફાશ કર્યો છે. અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે પીપળલગ રોડ પર આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે કુલ રૂપિયા 16,74,900ની કિંમતનું નકલી ખાતર અને મશીનરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નકલી ઈફ્કો (IFFCO) ખાતરના વેચાણના ગુનાની તપાસ દરમિયાન કડીઓ મળતા મોટા આંકડીયા ગામે આવેલી 'નિરીમા એગ્રી પ્રોડક્સ' નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ખાતરનો જથ્થો અને પેકિંગ માટેનું મટીરીયલ મળી આવ્યું હતું. જેમાં એમોનીયમ સલ્ફેટની હલકી ગુણવત્તાનું ખાતર ભરેલી 502 બેગ, POLYHALITE-IPLની ખાતર ભરેલી 720 બેગ, સરદાર ફર્ટીલાઇઝર અને સરોવર માર્કાવાળી અંદાજે 5600 ખાલી બેગ, ખાતર બનાવવા અને પેકિંગ કરવાના 3 મશીન મળી આવ્યા હતા.

મુખ્ય આરોપીની શોધખોળ શરૂ
આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી ભરતભાઈ ધાનાણીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(2), 336(3), 340(2), 61(2)(એ) અને આવશ્યક ચીજવસ્તુ ધારો-1955 ની કલમ-7 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખાસ છે કે, છેલ્લા કેટલાય સમયથી અહીં આ મોટા આંકડિયાનો શખ્સ નકલી ખાતર બનાવી અલગ અલગ જગ્યા ઉપર ખેડૂતોને વેચી રહ્યો હતો. જે અંગેની ફરિયાદ ખેડૂતોએ બાબરામાં તંત્રને કરી હતી. જેના અનુસંધાને એસોજીએ મોટા આંકડિયામાં રેડ પાડી હતી. આ રેડમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પણ સાથે હતા અને બંનેની સંયુક્ત ટીમ દ્વારા આ ફેક્ટરીને હાલ રેડ કરાઈ હતી. પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:

