અમરેલીઃ વીજધાંધિયાથી પરેશાન ખેડૂતોનો PGVCL કચેરીએ રામધૂન બોલાવી વિરોધ, આઠ ગામના ખેડૂતોમાં રોષ
સાવરકુંડલા તાલુકાના આઠ ગામના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં સાવરકુંડલા ડિવિઝન PGVCL કચેરી ખાતે પહોંચી ઘેરાવો કર્યો હતો.

Published : September 3, 2026 at 11:04 AM IST
અમરેલીઃ વરસાદ ખેંચાતા ખેતીના પાકને બચાવવા માટે સિંચાઈની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે વીજળીની સમસ્યાને લઈને સાવરકુંડલા તાલુકાના આઠ ગામના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં સાવરકુંડલા ડિવિઝન PGVCL કચેરી ખાતે પહોંચી ઘેરાવો કર્યો હતો અને રામધૂન બોલાવી વીજતંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ખેતીવાડી વીજ કનેક્શન માટે દસ કલાક વીજળી આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં માત્ર પાંચ કલાક જેટલી જ વીજળી મળી રહી છે. તેમાં પણ વીજળીનો વોલ્ટેજ અને લોડની સમસ્યા હોવાના કારણે ખેડૂતોની સિંચાઈની મોટરો યોગ્ય રીતે ચાલી શકતી નથી. જેના કારણે ખેતરોમાં પાણી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
ખેડૂતોની વધુ એક ફરિયાદ છે કે, એક જ ફીડર પર આશરે 560 જેટલા કનેક્શન હોવાથી ફીડર પર વધુ પડતો લોડ આવી રહ્યો છે. પરિણામે વીજળી નબળી અને અનિયમિત મળતી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ખેતરમાં ઉભેલા પાકને સિંચાઈના પાણીની જરૂર છે, પરંતુ પૂરતી વીજળી નહીં મળતા પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
આંબરડી ગામના ખેડૂત મહેશ પટેલ, નરેશભાઈ દેવાણી સહિતના ખેડૂતો PGVCL કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોના આગેવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી વરસાદનું ટીપું પણ પડ્યું નથી અને વરસાદ લંબાતા ખેતરમાં ઉભેલો પાક મૂળાવા લાગ્યો છે. અનેક સ્થળોએ પાક બળી જવાની સ્થિતિ સર્જાઈ છે. જેમના ખેતરમાં સિંચાઈની સુવિધા છે તેઓ પણ પૂરતી વીજળીના અભાવે પાકને પાણી આપી શકતા નથી.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે દસ કલાકના બદલે માત્ર પાંચ કલાક વીજળી મળે છે અને તેમાં પણ લોડ ખૂબ વધી જવાના કારણે મોટરો પૂરતું પાણી ઉપાડી શકતી નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની સમસ્યા અને વ્યથા અધિકારીઓ સુધી પહોંચાડવા ખેડૂતો PGVCL કચેરી ખાતે ફરિયાદ લઈને આવ્યા હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થતાં PGVCL કચેરી ખાતે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ખેડૂતોએ રામધૂન બોલાવી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ખેડૂતો દ્વારા PGVCLના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી ખેતીવાડી માટે નિયમિત અને પૂરતી દસ કલાક વીજળી આપવા, વોલ્ટેજની સમસ્યા દૂર કરવા તેમજ ફીડર પરનો વધારાનો લોડ ઘટાડવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ PGVCLના ડેપ્યુટી ઇજનેર ગોંડલીયાએ ખેડૂતોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. હવે PGVCL તંત્ર દ્વારા ખેડૂતોની વીજળી સંબંધિત સમસ્યાનો કેટલો ઝડપી ઉકેલ લાવવામાં આવે છે તેના પર ખેડૂતોની નજર રહેશે.
આ પણ વાંચો:

