અમરેલી: લીલીયા તાલુકામાં વસતા માલધારી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ મામલતદાર અને વનવિભાગને આપ્યું આવેદનપત્ર
પશુઓના વન્યપ્રાણીઓ દ્વારા થતા મારણના કેસોમાં વનવિભાગ દ્વારા યોગ્ય અને સમયસર વળતર આપવામાં આવતું ન હોવાનો ગંભીર આક્ષેપ માલધારીઓએ કર્યો છે.

Published : January 8, 2026 at 5:28 PM IST
અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં વસતા માલધારી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ મામલતદાર તથા વનવિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પશુપાલકોના પશુઓના વન્યપ્રાણીઓ દ્વારા થતા મારણના કેસોમાં વનવિભાગ દ્વારા યોગ્ય અને સમયસર વળતર આપવામાં આવતું ન હોવાનો ગંભીર આક્ષેપ માલધારીઓએ કર્યો છે.
માલધારી સમાજની રજૂઆત મુજબ છેલ્લા કેટલાક સમયથી સિંહ, દીપડો સહિતના વન્યપ્રાણીઓ દ્વારા પશુઓનું મારણ થવાના બનાવોમાં વધારો થયો છે, પરંતુ વનવિભાગ દ્વારા મળતું વળતર પૂરતું નથી તેમજ ચુકવણીમાં પણ વિલંબ થાય છે, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
આ ઉપરાંત માલધારીઓએ ગૌચરની જમીનમાં થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામ અને દબાણો સામે પણ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. ગૌચર જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે પશુઓ માટે ચારા–પાણીની સમસ્યા ઊભી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
માલધારી સમાજે સ્પષ્ટ માંગણી કરી છે કે, ગૌચર જમીનોને અતિક્રમણમુક્ત કરવામાં આવે તેમજ પશુઓના મારણના કેસોમાં ન્યાયસંગત અને પૂરતું વળતર તાત્કાલિક આપવામાં આવે. આ બાબતે મામલતદાર અને વનવિભાગને આવેદનપત્ર પાઠવીને માલધારીઓને ન્યાય આપવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
અહીં લીલીયા ક્રાકજ ભોરીંગડા સહિતના આસપાસના વિસ્તારોમાં સિંહોનો ખૂબ વસવાટ છે. આ સિંહનું નવું આશ્રય સ્થાન છે જેથી માલધારીઓના પશુઓનું મારણ કરે છે અને માલધારીઓને પોતાના કિંમતી પશુઓ ફાળી ખાવાની ઘટના સતત બની રહી છે. વન વિભાગ તરફથી જે સહાય ચૂકવાઇ છે તે અપૂરતી હોય અને તે માટે માલધારી સમાજ ભેગો થયો હતો અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમને સહાય વધારવા પણ એમને માલધારી સમાજે માંગ કરી હતી.
આ પણ વાંચો:

