બોલો! અમરેલીમાં જે ગામમાં ગાય-ભેંસ નથી ત્યાંથી 10000 લીટર દૂધ પકડાયું, નકલી દૂધના વેપારનો મોટો ખુલાસો
આ બનાવે સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે.

Published : February 18, 2026 at 4:24 PM IST
અમરેલી : જિલ્લાના વડીયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામે 10 હજાર લીટર નકલી દૂધના ટેન્કર મામલે ચોંકાવનારો મોટો ખુલાસો થયો છે. આ બનાવે સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધના ટેન્કર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. તે બાદ વડીયા પોલીસ સ્ટેશન દ્વારા ટેન્કરમાંથી દૂધના નમૂનાઓ લઈ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા હતા.
એફએસએલમાંથી આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ટેન્કરમાં ભરેલું દૂધ સંપૂર્ણપણે બનાવટી અને નકલી હતું. રિપોર્ટ મુજબ સોયાબીન, ગ્લુકોઝ પાવડર તેમજ અન્ય કેમિકલ્સના મિશ્રણથી આ દૂધ તૈયાર કરવામાં આવતું હતું, જે માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી છે.
"અમે શંકાસ્પદ દૂધના નમૂનાઓ લઈ ઉપર લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. દૂધ શંકાસ્પદ હોવાનું ધ્યાને આવતા રાત્રિ દરમિયાન જ 10,000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો છે. આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ અમે ઉપર ગાંધીનગર ખાતે મોકલી આપ્યો છે." - ડી.જે. સોલંકી,અધિકારી ફૂડ વિભાગ
આ રિપોર્ટ મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું, કાર્યવાહી અંતર્ગત વહેલી સવારે શંકાસ્પદ ગણાયેલા 10 હજાર લીટર બનાવટી દૂધનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી આ દૂધ બજારમાં પહોંચે તે પહેલાં જ રોકી શકાય.


આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતએ જણાવ્યું હતું કે, "જે ગામમાં ગાય કે ભેંસ નથી ત્યાંથી દસ હજાર લીટર દૂધ પકડાય એ પોતે જ ગંભીર તપાસનો વિષય છે. સરકારએ આ બાબતે કડક બનવું જોઈએ. હાલ વિધાનસભાનું સત્ર શરૂ છે ત્યારે બનાવટી દૂધ જેવા ગંભીર ગુનાઓ સામે ‘કાળા પાણી’ સમાન કડક કાયદો લાવવામાં આવવો જોઈએ."
ઉલ્લેખનીય છે કે વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં બનાવટી દૂધ બનાવતી હોવાનું શંકાસ્પદ ફેક્ટરી પર પોલીસ પણ પહોંચી હતી અને ત્યાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. હાલ આ સમગ્ર મામલે વડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ એન્ટ્રી નોંધાઈ છે. નકલી દૂધના આ મોટા કૌભાંડથી લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે. આરોગ્ય સાથે સીધા સંકળાયેલા આવા ગંભીર ગુનાઓ સામે તંત્ર કેટલી કડક કાર્યવાહી કરે છે, તેની તરફ સમગ્ર જિલ્લાની નજર મંડાઈ છે.
આ પણ વાંચો...

