અમરેલી: પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન
અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન, અમરેલીના રાજકીય ક્ષેત્રમાં શોકની લાગણી, ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે અંતિમ શ્વાસ લીધા.

Published : October 7, 2026 at 2:57 PM IST
|Updated : October 7, 2026 at 5:32 PM IST
અમરેલીના રાજકીય ક્ષેત્રમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસના કાર્યકરો તેમજ તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
વિરજીભાઈ ઠુમ્મરે લાંબા સમય સુધી અમરેલીના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં સક્રિય રહીને કામગીરી કરી હતી. તેઓ વર્ષ 2004થી 2009 દરમિયાન અમરેલી લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં તેમણે અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. સત્તાવાર ચૂંટણી આંકડા મુજબ તેમણે 2,20,649 મત મેળવી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 2,030 મતથી પરાજય આપ્યો હતો.
સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન વિરજી ઠુમ્મરે અમરેલી અને આસપાસના વિસ્તારોના વિવિધ પ્રશ્નોને સંસદમાં રજૂ કર્યા હતા. સંસદીય રેકોર્ડમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મોબાઇલ ટેલિફોન નેટવર્ક તથા કનેક્ટિવિટી સુધારવા અંગેનો મુદ્દો પણ તેમણે લોકસભામાં ઉઠાવ્યો હતો.
ત્યારબાદ વિરજીભાઈ ઠુમ્મર ફરી રાજ્યના રાજકારણમાં સક્રિય રહ્યા અને 2017થી 2022 દરમિયાન લાઠી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેમના જાહેર જીવન દરમિયાન તેઓ વિવિધ સહકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા હતા.
કોંગ્રેસના રાજકારણમાં વિરજી ઠુમ્મરની આગવી ઓળખ હતી. સ્થાનિક રાજકીય ક્ષેત્રમાં તેઓ આક્રમક રાજકીય શૈલી અને લોકોના પ્રશ્નોને ઉઠાવવા માટે જાણીતા નેતા તરીકે ઓળખાતા હતા. અમરેલી જિલ્લામાં કોંગ્રેસના સંગઠન અને રાજકીય પ્રવૃત્તિઓમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન પર નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું #Amreli #Virjithummar https://t.co/6O2eC1jS7O
— ETVBharat Gujarat (@ETVBharatGJ) October 7, 2026
વિરજી ઠુમ્મરના નિધનના સમાચાર મળતા જ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો અને તેમના પરિચિતોમાં શોકની લાગણી વ્યાપી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે વિરજી ઠુમ્મરના નિધનની માહિતી આપી હતી.

મળતી માહિતી મુજબ વિરજીભાઈ ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક લોકો જોડાય તેવી શક્યતા છે.
વિરજીભાઈ ઠુમ્મરના નિધન સાથે અમરેલીના રાજકીય ક્ષેત્રે લાંબા સમયથી સક્રિય રહેલા એક નેતાની કારકિર્દીનો અંત આવ્યો છે. તેમની પાછળ પરિવારજનો, કોંગ્રેસના કાર્યકરો અને વિશાળ ચાહકવર્ગ શોકમગ્ન બન્યો છે.
આ પણ વાંચો...

