ETV Bharat / state

અમરેલીના ભાવનગર-સોમનાથ હાઈવે પર મોતનો તાંડવ, માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના કરુણ મોત!

અમરેલીના ભાવનગર-સોમનાથ હાઈવે અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતા સ્થાનિકોમાં ભારે રોષ, રોડનું કામકાજ અધૂરું હોવાથી અકસ્માત સર્જાતા હોવાના સ્થાનિકોના આક્ષેપ.

ભાવનગર-સોમનાથ હાઈવે
ભાવનગર-સોમનાથ હાઈવે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 2, 2026 at 4:11 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમરેલી: અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ભાવનગરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. તાજેતરમાં જ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક એક ભયાનક અકસ્માત થયો હતો. ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર અથડામણ થતા 2 બાઈક સવારોના મોત થયા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં શોક અને ગુસ્સો છે.

મળતી માહિતી પ્રમાણે, બાલાનીવાવ અને કાગવદર વચ્ચે હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ 1 વ્યક્તિનું મોત થઈ ગયું હતું, જેમનું નામ રમેશભાઈ સાખટ હતું અને નાગેશ્રી ગામના રહેવાસી હતા. બીજા બાઈક સવાર મનુભાઈ સાખટ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક રાજુલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ અવસાન થયું હતું. બંને મૃતકો એક જ ગામના હતા.

ભાવનગર-સોમનાથ હાઈવે પર અમરેલી નજીક થયેલ અકસ્માતના દ્રશ્યો (Etv Bharat Gujarat)

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતોનું મુખ્ય કારણ હાઈવે પર અધૂરા કામો છે. બાલાનીવાવ, કાગવદર અને ભટવદર વિસ્તારમાં ડાયવર્ઝન અને બોક્સ કલ્વર્ટનું કામ છેલ્લા 6 વર્ષથી અટકેલું છે અને બંને બાજુ મોટા માટીના પાળા હોવાથી વાહનોને રોંગ સાઈડ પર ચલાવવા પડે છે. સામેથી આવતા વાહનો સાથે ટક્કર થાય છે અને નિર્દોષ લોકો માર્ગ અકસ્માતના ભોગ બને છે. અગાઉ પણ આવા પાળાને કારણે અનેક અકસ્માતો થયા છે.

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ગુસ્સો છે. જાફરાબાદ તાલુકાના કાગવદર, ભટવદર, બાલાનીવાવ, મીઠાપુર અને નાગેશ્રી ગામના લોકો તથા સરપંચોએ નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. તેઓ કહે છે કે જો તાત્કાલિક બોક્સ કલ્વર્ટનું કામ શરૂ નહીં થાય અને સુરક્ષા વધારવામાં નહીં આવે તો હાઈવે બંધ કરી દેવાશે.

બાલાનીવાવના અગ્રણી પ્રતાપભાઈ વરૂએ કહ્યું, “ઘણા વર્ષોથી લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે, પણ અધિકારીઓ કંઈ કરતા નથી. તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન થશે.”

નાગેશ્રી PSI ગળસરે જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરી મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

આ હાઈવે પર અકસ્માતો વધતા સ્થાનિકોમાં ભય અને ગુસ્સા છે, સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો NHAI અને પ્રશાસને ધ્યાન નહીં આપ્યું તો વધુ જીવ જશે. સુરક્ષા માટે સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ અને પૂર્ણ કામ જરૂરી છે.

આ પણ વાંચો:

  1. અમરેલી–ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ભયાનક અકસ્માત, 8 ઈજાગ્રસ્ત
  2. ભાવનગરમાં શરૂ થયેલી ઈ-બસે ચાર દિવસમાં જ અકસ્માત સર્જ્યો, 72 વર્ષના વૃદ્ધા ગંભીર ઈજા બાદ હોસ્પિટલ ખસેડાયા
  3. કારના બે ટુકડા થઈ ગયા: શિવરાત્રીના મેળામાંથી પરત ફરતા યુવાનોની કારનો રાજકોટમાં અકસ્માત, યુવતી સહિત 3નાં મોત