બાબરાના સુખપુરમાં પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાં લાગી ભીષણ આગ, સમગ્ર પંથકમાં મચી અફરાતફરી
આ આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ 3 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ રીતે નજરે પડી રહી હતી.

Published : January 5, 2026 at 6:33 PM IST
અમરેલી : જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામ નજીક આવેલી ખાનગી કંપનીની પવનચક્કીમાં ટ્રાન્ફોર્મરમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ 3 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ રીતે નજરે પડી રહી હતી.
મળતી માહિતી મુજબ, સુખપુર ગામ પાસે આવેલી આઇનોક્ષ (Inox) કંપનીની પવનચક્કીના પાવર હાઉસમાં મોડી રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ પવનચક્કીનું આખું વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠ્યું હતું અને થોડી જ વારમાં સમગ્ર પાવર હાઉસ આગની લપેટમાં આવી ગયું હતું. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાત્રિના અંધકારમાં આગની ભયાનક જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા ગ્રામજનો અને કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતા અમરેલી, બાબરા અને જસદણની ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.


"અમરેલી ફાયર વિભાગના ફાયર ઓફિસર હિતેષભાઈ સરતેજાએ જણાવ્યું હતું કે, "આગ અત્યંત ભયાનક હતી, છતાં સંયુક્ત ફાયર ટીમોની મહેનતથી સમયસર આગને કાબૂમાં લઈ લેવામાં આવી અને વધુ નુકસાન ટાળવામાં આવ્યું. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની માહિતી છે, પરંતુ પવનચક્કીના ટ્રાન્સફોર્મર અને પાવર હાઉસને ભારે નુકસાન થયું છે." - હિતેષભાઈ સરતેજા, ઓફિસર
આગ કાબૂમાં લેવા માટે અંદાજે 40,000 લિટર પાણી તથા 36,000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ સતત ત્રણ થી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો...

