અમરેલીમાં રંગબેરંગી ગુલાલ અને ડીજેના તાલ સાથે ધૂળેટીની શાનદાર ઉજવણી, મંત્રી અને સાંસદ પણ રંગે રંગાયા
શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એકબીજાને રંગ લગાવી ધુળેટીની ખુશીઓ વહેંચી હતી.

Published : March 4, 2026 at 3:01 PM IST
અમરેલી : શહેરના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ધૂળેટીનો તહેવાર આ વર્ષે વિશેષ ઉત્સાહ અને ભવ્યતાથી ઉજવાયો. રંગબેરંગી ગુલાલ, ડીજેના તાલ અને ઢોલના ધમાકેદાર નાદ વચ્ચે સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયો. શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ખુશીઓ વહેંચી હતી.
આ પ્રસંગે રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયા નાગરિકો સાથે ધૂળેટી રમવા માટે ખાસ હાજર રહ્યા હતા. મંત્રીના આગમનથી ઉજવણીમાં વિશેષ ઉલ્લાસ જોવા મળ્યો. શહેરીજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને સૌએ સાથે મળી રંગેચંગે તહેવાર ઉજવ્યો હતો.
આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને વિવિધ હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે ડીજે અને ઢોલના તાલે નૃત્ય કરી તહેવારની આનંદમય ઉજવણી કરી હતી.

"શહેરીજનોને ધૂળેટીની શુભેચ્છાઓ, અમરેલી શહેરમાં પરંપરાગત રીતે તહેવારોની ઉજવણી થાય છે, જે સમાજની સંસ્કૃતિ અને એકતાને મજબૂત બનાવે છે." - ભરત સુતરીયા, સાંસદ
મંત્રી કૌશિક વેકરીયાએ નાગરિકો સાથે રંગ રમતાં ધૂળેટીની ઉજવણી કરી અને આ પ્રસંગે સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે ધૂળેટી જેવા તહેવારો મતભેદ અને મનદુઃખ ભૂલાવી સૌને સાથે લાવવાનો અવસર આપે છે. સમાજમાં સદભાવના અને સહકાર જળવાઈ રહે તે માટે સૌએ આવા તહેવારોને એકતાના પ્રતિક તરીકે ઉજવવા જોઈએ.

"ધૂળેટી જેવા તહેવારો આપણને મતભેદ ભૂલાવી એકબીજાની નજીક લાવે છે. સૌએ સાથે મળીને આનંદપૂર્વક ઉજવણી કરી સમાજમાં એકતા જાળવવી જોઈએ." - કૌશિકભાઈ વેકરીયા, કાયદા મંત્રી
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટ પર ઉત્સાહ, આનંદ અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું. ધૂળેટીના આ રંગીન પર્વે અમરેલી શહેરમાં ફરી એકવાર એકતા અને સદભાવનાનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો...

