ETV Bharat / state

અમદાવાદ: મોટેરામાં ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે ચાલ્યું બુલડોઝર, 50થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ભવિષ્યમાં આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે.

મોટેરામાં ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે ચાલ્યું બુલડોઝર
મોટેરામાં ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે ચાલ્યું બુલડોઝર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 9, 2026 at 3:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ભવિષ્યમાં આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 50થી વધુ કોમર્શિયલ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

મોટેરામાં ગેરકાયદેસર દબાણ હટાવાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પશ્ચિમ વિભાગ દ્વારા આજે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી પાડવામાં આવી હતી અને રોડને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દબાણ હટાવવામાં આવ્યા બાદ દુકાનદારો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

મોટેરામાં ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે ચાલ્યું બુલડોઝર (ETV Bharat Gujarat)

હેમાબેને જણાવ્યું હતું કે, અમે મોટેરા સ્ટેડિયમ પાસે રહીએ છીએ અને અહીં 45 વર્ષ જૂની મોબાઇલની અમારી દુકાન હતી. અમને મહિના પહેલા કોર્પોરેશન તરફથી નોટિસ આપવામાં આવી હતી. અત્યારે ચોમાસું આવી ગયું છે ત્યારે લોકો દુકાન વગરના થઇ ગયા છે. લોકોને બીજી જગ્યાએ ભાડે દુકાન મળતી નથી. દુકાનો એટલી મોંઘી થઇ ગઇ છે તો અમે હવે ક્યાં જઇએ? 25, 30 હજાર રૂપિયા ભાડા ની દુકાન મળે છે એ અમે ક્યાંથી લાવીશું?

અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, 45 વર્ષ જૂની અમારી દુકાન હતી. ટેક્સ ભરતા હતા છતા, કાયદેસરની દુકાન હતી તેમ છતાં તેને તોડી નાખવામાં આવી છે. અત્યારે અન્ય જગ્યાએ દુકાનનું ભાડું એટલું મોઘું છે કે અમે ભરી શકતા નથી. હવે અમે ક્યા જઇશું?

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે
કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે (ETV Bharat Gujarat)

દુકાનદાર શોએબ શેખે જણાવ્યું હતું કે, મારી મોટેરા સ્ટેડિયમની બહાર દુકાન હતી. કોમનવેલ્થ ગેમ્સ અને ડેવલમેન્ટના નામે અમારી દુકાન તોડી પાડવામાં આવી છે. એક મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ એક મહિનાની અંદર અમે બીજે કઇ રીતે દુકાન કરીએ અને આ દુકાને કેવી રીતે છોડીને જઇએ? અમે રોડ ઉપર આવી ગયા છીએ.

મોટેરામાં  50થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી
મોટેરામાં 50થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી (ETV Bharat Gujarat)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હયાત 18 મીટર રોડ છે જેને 61 મીટરનો કરવાનો છે. આ જગ્યાએ અનેક કોમર્શિયલ અને રેસીડેન્શિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા JCB મશીનો સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મોટેરામાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું
મોટેરામાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું (ETV Bharat Gujarat)

સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટ સામેથી લઇને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર 50થી વધારે મિલકતોને તોડી પાડવામાં આવશે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ડી માર્ટ બાદ જે કોમર્શિયલ અને રેસીડેન્શિયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં કોઇ ડિમોલિશન કરવામાં નહીં આવે.

આ પણ વાંચો: