અંબાજીના મોહનથાળ પ્રસાદને ઐતિહાસિક GI ટેગ મળ્યો, ધાર્મિક આસ્થા અને પરંપરાનુ સન્માન
તિરુપતિના લાડુ બાદ હવે અંબાજીના મોહનથાળ પ્રસાદને રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ ઓળખ મળી.

Published : October 12, 2026 at 9:23 AM IST
બનાસકાંઠા: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને ભૌગોલિક ઓળખ (GI) ટેગ પ્રાપ્ત થતાં યાત્રાધામના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ મળી છે. નવરાત્રિના પ્રથમ પવિત્ર દિવસે અંબાજી સ્થિત ચાચર ચોક ખાતે કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિતની અધ્યક્ષતામાં અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મોહનથાળ પ્રસાદના GI ટેગનું સત્તાવાર પ્રમાણપત્ર 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ'ને અર્પણ કરવામાં આવ્યું છે.
ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને પવિત્ર પરંપરાનું પ્રતીક ગણાતા મોહનથાળ પ્રસાદને મળેલી આ ઐતિહાસિક સિદ્ધિ દેશ-વિદેશમાં વસતા લાખો માઈભક્તો માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે. 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે જરૂરી વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ કરી 1 ઑક્ટોબર, 2026ના રોજ આ સત્તાવાર પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે.
અંબાજીના મોહનથાળ પ્રસાદને ઐતિહાસિક GI ટેગ મળ્યો
આ પ્રસંગે પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિતે જણાવ્યું હતું કે, કોઈપણ પરંપરાગત ઉત્પાદનની મૂળ ઓળખ અને ગુણવત્તા સાથે સમાધાન ન થવું જોઈએ. અંબાજી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને શુદ્ધ અને અસલ મોહનથાળ પ્રસાદ મળી રહે તે વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં આ GI ટેગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા (EDII), અમદાવાદ દ્વારા GI ટેગ ધરાવતાં ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર અને વેચાણ માટે વિશેષ 'GI સ્ટોર' કાર્યરત કરાયો છે, જ્યાં દેશભરના આવા વિશિષ્ટ ઉત્પાદનો પ્રદર્શિત થાય છે. આ વ્યવસ્થા પરંપરાગત ઉત્પાદનોની ઓળખ જાળવી રાખવા ઉપરાંત તેમની બજારક્ષમતા વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ ઉપલબ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મોહનથાળ પ્રસાદને GI ટેગ મળવો એ માત્ર પ્રસાદની ઓળખનું સન્માન નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની મા જગદંબા પ્રત્યેની અડગ આસ્થા અને આપણી સમૃદ્ધ આધ્યાત્મિક ધરોહરનું બહુમાન છે. તિરુપતિના લાડુ અને પલાનીના પંચામૃતમની શ્રેણીમાં હવે અંબાજીનો મોહનથાળ પ્રસાદ પણ દેશના વિશિષ્ટ ધાર્મિક પ્રસાદની યાદીમાં સ્થાન પામ્યો છે. આ ટેગ મળવાથી મોહનથાળના નામે થતા અનધિકૃત ઉપયોગ, બનાવટી વેચાણ અને નકલ સામે કડક કાયદાકીય રક્ષણ મળશે તેમજ તેની પરંપરાગત બનાવટ અને પવિત્રતા અકબંધ રહેશે.
આ સમારોહમાં GI ટેગ મેળવવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન પૂરું પાડનાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત, CII ગુજરાત ટાસ્ક ફોર્સના પદાધિકારીઓ, અન્ય સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:

