ETV Bharat / state

ભરૂચ : દોઢ મહિનાથી વરસાદ બંધ છતાં લુવારા ગામની 500 એકર જમીન જળમગ્ન, ખેડૂતોની હાલત કફોડી

સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેતીલાયક જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે, પાકને મોટા પ્રમાણમાં નુકસાન

સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેતીલાયક જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે, પાકને મોટા પ્રમાણમાં નુકસાન
સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેતીલાયક જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે, પાકને મોટા પ્રમાણમાં નુકસાન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 1, 2026 at 3:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભરૂચ: તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ગંભીર બન્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદે વિરામ લીધાને દોઢ મહિનો જેટલો સમય વીતી ગયો હોવા છતાં અંદાજે 500 એકર ખેતીની જમીન હજુ પણ પાણીમાં ગરકાવ છે. ખેતરોમાં પાણી ભરાયેલું રહેતાં ખેડૂતો વાવેતર અને ખેતી કરી શકતા નથી. ડ્રોનથી સામે આવેલા આકાશી દ્રશ્યોમાં પણ મોટા વિસ્તારમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.

લુવારા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા બે વર્ષથી યથાવત છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેતીલાયક જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે અને ખેતરોમાંથી અનાજનો એક દાણો પણ ઊગતો નથી. જેના કારણે ખેડૂતોને ખેતીમાંથી આવક ગુમાવવી પડી રહી છે અને પરિવારનું જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે.

ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં સ્થિતિ જસની તસ (ETV Bharat Gujarat)

ખેડૂતો આ પરિસ્થિતિને ‘લીલો દુષ્કાળ’ ગણાવી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયા બાદ પણ પાણીનો નિકાલ ન થવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત તો ખેતીની જમીનને આટલું મોટું નુકસાન થતું નહીં.

આ સમસ્યાને લઈને અગાઉ SDM, મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હોવાનો ખેડૂતોનો દાવો છે. અધિકારીઓએ 10 દિવસમાં પાણીના નિકાલની બાંહેધરી આપી હતી. જોકે, ખેડૂતોના જણાવ્યા મુજબ બાંહેધરી આપ્યાને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી.
ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી ખેડૂતો તંત્ર સામે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે માત્ર કામચલાઉ રીતે પાણી કાઢવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને પાણીના કુદરતી વહેણને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દરમિયાન સમગ્ર મામલો વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના ધ્યાન પર પણ આવ્યો છે. ધારાસભ્યે ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લઈ સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હોવાનું જણાવ્યું છે. ખેડૂતોને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે.

સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેતીલાયક જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે, પાકને મોટા પ્રમાણમાં નુકસાન (ETV Bharat Gujarat)

લુવારા ગામમાં માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ સ્થાનિક રહેવાસીઓ પણ પાણી ભરાવાની સમસ્યાને લઈને ચિંતિત છે. લાંબા સમયથી ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી આસપાસના વિસ્તારના લોકો પણ તેની અસર અનુભવતા હોવાના આક્ષેપો છે.

ગામના સરપંચ પણ પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરીની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી ચોમાસામાં ફરી આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે અને ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે.

લુવારા ગામની સીમમાં 500 એકર જેટલી જમીન પાણીમાં ગરકાવ હોવાના ખેડૂતોના દાવા વચ્ચે હવે તંત્ર સામે મોટો પડકાર પાણીના નિકાલનો છે. દોઢ મહિનો વરસાદ બંધ થયા બાદ પણ પાણી યથાવત રહેતાં ખેડૂતોને ખેતીના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ધારાસભ્યની રજૂઆત બાદ વહીવટી તંત્ર ક્યારે અસરકારક કામગીરી હાથ ધરે છે અને લુવારા ગામના ખેડૂતોને પાણી ભરાવાની સમસ્યામાંથી ક્યારે કાયમી રાહત મળે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: