શિહોરીના ચેખલામાં સ્કૂલનો સામાન વાહનમાં ભરી રાતોરાત વેચવાનું કારસ્તાન, ગ્રામજનોએ પ્રિન્સિપાલનો ભાંડો ફોડ્યો
શિહોરીમાં આવેલી ચેખલા પ્રાથમિક શાળામાં રાત્રિના સમયે ટેબલ-બેન્ચિંસ બારોબાર વેચવાનો પ્રયત્ન કરાયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ.

Published : February 24, 2026 at 12:26 PM IST
પાલનપુર: કાંકરેજના શિહોરીની ચેખલા પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા સ્કૂલનો સામાન રાતોરાત વાહનમાં ભરીને વેચવાનો પ્રયત્ન કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. શિક્ષક સામે કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી છે. બીજી તરફ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે.
શું છે ઘટના?
કાંકરેજના શિહોરીમાં આવેલી ચેખલા પ્રાથમિક શાળામાં રાત્રિના સમયે ટેબલ-બેન્ચિંસ બારોબાર વેચવાનો પ્રયત્ન કરાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો શાળામાં એકત્રિત થયા હતા. ગ્રામજનોએ શાળાનો સામાન બારોબાર લઇ જતા બે વાહનનો પીછો કર્યો હતો અને છેવટે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સામાનને પરત શાળામાં મુકાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં શાળાના શિક્ષક સામે ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.
"એક છકડો અને ગાડી ભરીને રાત્રિના સમયે ટેબલ-બેન્ચિંસ બારોબાર વેચવા માટે લઇ જતા હોવાની શંકાએ વાહનોનો પીછો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા પોલીસ પણ આવી ગઇ હતી અને સામાન ભરેલા વાહનોને અટકાવીને સામાનને પરત શાળામાં મુકાવ્યો હતો." પરબતજી, ગાડીનો પીછો કરનાર ગ્રામજન

ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્કૂલના આચાર્ય દ્વારા શાળાના સામાનને બારોબાર વેચવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ગામલોકોને જાણ થતા ગામ લોકો શાળામાં એકત્રિત થયા હતા અને આ મામલે જવાબદાર શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ માંગ કરી છે. ગામ યુવાનોએ સમગ્ર મામલામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ આ મામલે રજૂઆત કરી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે જવાબ આપતા કહ્યું કે, SMCમાં ઠરાવ કરવામાં આવ્યો છે, રેકર્ડ ચકાસણી હેઠળ છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો:

