'ગાંધીનગરમાં બેફામ દારુ મળે છે તેવી ફરિયાદો મળે છે'- ગેનીબેનનો મનપા ચૂંટણી પહેલા મોટો આક્ષેપ
ગાંધીનગરમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ માટે પિંક વ્હીલની સુવિધા શરૂ કરવામાં આવશે અને તેમાં મહિલાઓને નિઃશુલ્ક સફરનો લાભ આપવામાં આવશે.

Published : October 8, 2026 at 4:20 PM IST
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોનો પ્રચાર-પ્રસાર ચરમસીમાએ પહોંચ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના સહપ્રભારી સુભાષીની યાદવ અને સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર અને વહીવટી તંત્ર પર પ્રહાર કર્યા હતા. સાથે જ મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અંગે કોંગ્રેસે વચન રજૂ કર્યા હતા.
કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ માટે પિંક વ્હીલની સુવિધા શરૂ કરાશે
કોંગ્રેસના સહપ્રભારી સુભાષીની યાદવે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ માટે પિંક વ્હીલની સુવિધા શરૂ કરવામાં આવશે અને તેમાં મહિલાઓને નિઃશુલ્ક સફરનો લાભ આપવામાં આવશે. કોંગ્રેસે મહિલાઓને ઉમેદવારીમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે અને પાર્ટીની મહિલા ઉમેદવારો મજબૂત રીતે ચૂંટણી લડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સિનિયર મહિલા નેતાઓ અમીબેન, ગેનીબેન અને સોનલબેનને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર મનપામાં કોંગ્રેસ આવશે તો મહિલાઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
શંકરસિંહ વાઘેલા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સુભાષિની યાદવે જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત સંબંધોના કારણે કોંગ્રેસના પ્રચારમાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલા અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.
ભાજપ પર ચૂંટણીના વચન પૂર્ણ ના કરવાનો ગેનીબેનનો આક્ષેપ
બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે ગાંધીનગર મહાનગરપાલિકાના બજેટનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે મનપાનું બજેટ એક હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. મનપામાં ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે, પરંતુ ગણ્યાંગાંઠ્યાં સેક્ટર અને બહારથી આવતા લોકોને ધ્યાનમાં રાખીને જ વિકાસ થયો હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પાયાની સુવિધાઓની જરૂરિયાત છે. કોંગ્રેસને પ્રજા આશીર્વાદ આપશે તો ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે કામ કરવામાં આવશે.
ગેનીબેન ઠાકોરે ગાંધીનગરમાં દારૂના વેચાણ અંગે પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરમાં દારૂ બેફામ વેચાતો હોવાની ફરિયાદો કોંગ્રેસને મળી છે. તેમણે ભાજપ પર ગત ચૂંટણી દરમિયાન કરેલા વાયદા પૂર્ણ ન કરવાનો આક્ષેપ કર્યો હતો.
ગેનીબેને વહીવટી તંત્ર અને પોલીસને પણ ટકોર કરતા કહ્યું હતું કે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને પગાર લોકોના પૈસામાંથી મળે છે, ભાજપના ભંડોળમાંથી નહીં. તેથી ચૂંટણીમાં કોઈ પક્ષની તરફેણમાં નહીં પરંતુ ન્યાયીક રીતે કામગીરી કરવી જોઈએ. કોઈપણ પક્ષ કાયમી સત્તામાં રહેવાનો નથી, તેથી વહીવટી તંત્ર અને પોલીસ આ બાબતનું ધ્યાન રાખે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસે ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ સામે વિકાસ અને મહિલાઓની સુવિધાઓને મુખ્ય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો:

