અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, ‘BOMB’ લખેલું પેપર મળતાં હડકંપ
ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. વિમાનને સામાન્ય પાર્કિંગ એરિયાથી દૂર એક સુરક્ષિત વિસ્તારમાં સાઈડમાં ઉભું રાખાયું હતું.

Published : August 31, 2026 at 7:51 PM IST
અમદાવાદ: દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ‘BOMB’ લખેલું ટીશ્યુ પેપર મળી આવતાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક હાઈ એલર્ટની સ્થિતિ સર્જાઈ હતી. ફ્લાઈટમાં સવાર ક્રૂ મેમ્બરના ધ્યાનમાં આ શંકાસ્પદ લખાણ આવતાં તરત જ પાયલટને જાણ કરવામાં આવી હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે અમદાવાદ એરપોર્ટનો સંપર્ક કરી ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી.
ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. વિમાનને સામાન્ય પાર્કિંગ એરિયાથી દૂર એક સુરક્ષિત વિસ્તારમાં લઈ જઈ સાઈડમાં ઉભું રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Gujarat | A Dammam-Delhi Air India flight made an emergency landing at Ahmedabad Airport after a tissue paper with the word "bomb" written on it was found by a crew member in the lavatory. There were 32 passengers onboard and all of them were safely deboarded at Terminal 2. The…
— ANI (@ANI) August 31, 2026
મળતી માહિતી પ્રમાણે, ફ્લાઈટના બાથરૂમમાંથી ક્રૂ મેમ્બરને ‘BOMB’ લખેલું ટીશ્યુ પેપર મળ્યું હતું. આ લખાણ નજરે પડતાં ક્રૂએ કોઈ જોખમ ન લેતા તાત્કાલિક પાયલટને જાણ કરી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીની માહિતી મળતાં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓએ જરૂરી ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો.
વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ CISF, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને તૈનાત કરવામાં આવી હતી. સમગ્ર વિમાનને સુરક્ષિત વિસ્તારમાં રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિમાનની અંદર તેમજ લગેજ સહિતના વિવિધ ભાગોની તપાસ કરવામાં આવી રહી છે.
એરપોર્ટ પી.આઈ. AD ચાવડાએ જણાવ્યું હતું કે, “આજે દમામ (ગલ્ફ)થી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બાથરૂમમાંથી ક્રૂ મેમ્બરને પેપર ઉપર ‘BOMB’ લખેલો કાગળ મળ્યો હતો. જેના પગલે અમદાવાદ ખાતે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં કુલ 32 પેસેન્જર છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે એરપોર્ટ ટર્મિનલ-2 ખાતે રાખવામાં આવ્યા છે. હાલ પ્લેનનું ચેકિંગ ચાલુ છે.
હાલની તપાસમાં વિમાનમાંથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી છે કે નહીં તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર થવાની બાકી છે. બીજી તરફ, માત્ર એક ટીશ્યુ પેપર પર લખાયેલા ‘BOMB’ના મેસેજને ગંભીરતાથી લઈને સમગ્ર સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ શંકાસ્પદ પેપર વિમાનમાં કેવી રીતે આવ્યું, તેને કોણે લખ્યું અને તેનો હેતુ શું હતો તે અંગે પણ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. મુસાફરોને સુરક્ષિત રાખીને ફ્લાઈટની સંપૂર્ણ તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એરપોર્ટ પર હાલ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે.
આ પણ વાંચો:

