ETV Bharat / state

AI અને ગૂગલ ટ્રાન્સલેટ ક્યારેય માણસ જેવા અનુવાદ નહીં કરી શકે: શરીફાબેન વીજળીવાળા

મોટાભાગના લોકોએ ચિંતા સેવી રહ્યા છે AIને કારણે ભવિષ્યમાં અનુવાદનું સંપૂર્ણ કામ ઑટોમેટેડ થઈ જશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કામ ગુમાવવાનો વારો આવશે

શરીફાબેન વીજળીવાળા
શરીફાબેન વીજળીવાળા (WIKIPEDIA)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 21, 2026 at 6:21 PM IST

|

Updated : February 25, 2026 at 2:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે ઘણી બધી સ્કિલ બેઝ્ડ નોકરીઓ સામે ખતરો પેદા થયો છે, અનુવાદનું ક્ષેત્ર તે પૈકીનું એક છે. AI અને ગૂગલ ટ્રાન્સલેશન જેવા ટૂલ્સને કારણે અનુવાદના ક્ષેત્રમાં રોજગાર ઘટ્યો છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ત્યારે મોટાભાગના લોકોએ ચિંતા સેવી રહ્યા છે AIને કારણે આગળ જતા અનુવાદનું સંપૂર્ણ કામ ઑટોમેટેડ થઈ જશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કામ ગુમાવવાનો વારો આવશે. જોકે, જાણીતા અનુવાદક, ચરિત્રલેખક, સંપાદક અને ગુજરાતી ભાષાના અધ્યાપિકા રહી ચૂકેલાં શરીફાબેન વીજળીવાળા કહે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ગૂગલ ટ્રાન્સલેટ જેવા ટૂલ્સ ક્યારેય માણસ દ્વારા થવા ભાવપૂર્ણ અનુવાદનું સ્થાન લઈ શકશે નહીં.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ઈટીવી ભારત સાથે વાત કરતા શરીફાબેને જણાવ્યું કે, 'અનુવાદ એ એક કળા છે. ગૂગલ અને AI દ્વારા જે ટ્રાન્સલેશન થાય છે તેમાં માણસ દ્વારા કરવામાં આવતા અનુવાદ જેવા ભાવ ક્યારેય ઉપજી ન શકે એટલે હું એ વાત સાથે સહમત નથી કે, AIને કારણે અનુવાદ ક્ષેત્રે માણસો માટે કામ ખતમ થઈ જશે.'

જોકે, તેમણે અનુવાદ ક્ષેત્ર કથળતાં સ્તર વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, ઘણીવાર 'કોઈ તપાસતું નથી અને કોઈ ટોકતું નથી...' આ રીતે અનુવાદનું સ્તર કથળે છે. અનુવાદક અને તેને તપાસનારે ચિવટપૂર્ણ રીતે પોતાનું કામ કરવું જોઈએ એ બાબત પર શરીફાબેને ભાર મૂક્યો.

તેઓ અનુવાદના કામમાં ધ્યાને રાખવા જેવી બાબતો વિશે કહે છે કે, 'અનુવાદક પાસે બે ભાષા, એક તે સોર્સ લેંગ્વેજ અને ભાષા અને બીજી તે ટાર્ગેટ લેંગ્વેજમાં સારી ફાવટ હોવી જોઈએ. આમાં, ઘણીવાર જો સ્ત્રોત ભાષામાં તમારું જ્ઞાન ઓછું હોય તો ચાલી જાય પરંતુ ટાર્ગેટ લેંગ્વેજમાં તમે પાક્કા હોવા જ જોઈએ. બીજી એક બાબત એ કે, જ્યારે તમે ભાવાનુવાદ કરો છો ત્યારે જરૂરી નથી કે તમે મૂળ કૃતિને શબ્દશ: વળગી રહો પરંતુ જો ટાર્ગેટ લેંગ્વેજમાં તમારું જ્ઞાન સારું હશે તો મૂળ કૃતિનો ભાવ અનુવાદમાં પણ જળવાઈ રહે છે અને તમારો પ્રયાસ 'અપ્રામાણિક' બનતો નથી.

ગુજરાતી ભાષામાં સારા અનુવાદો વિશે શરીફાબેન કહે છે કે, આપણે એ રીતે ખૂબ નસીબદાર છીએ કે, આપણે બીજી ભાષામાંથી બહુ સારા અનુવાદો ગુજરાતીમાં લઈ આવ્યા છીએ. હા, નબળું કામ થયું છે, 1970માં પણ થયું અને અત્યારે પણ થાય છે પરંતુ તેની સામે ઉત્તમ અનુવાદો પણ આપણે ત્યાં થયા છે. પોતાના પ્રિય અનુવાદિત પુસ્તકો વિશે જણાવતા તેઓ તરત જ 'સળગતાં સૂરજમુખી'નો ઉલ્લેખ કરે છે અને વિનોદ મેઘાણીના પરિશ્રમ તથા ચોકસાઈને ટાંકે છે. અસલમાં વિનોદ મેઘાણીએ અગાઉ આ પુસ્તકનો અનુવાદ કરેલો, જે પ્રકાશિત પણ થયેલો. તેમને એનાથી પૂરતો સંતોષ નહોતો. આથી તેમણે પોતાનું લખાણ ફરી તપાસવા માંડ્યું અને તેમાં અનેક ભાષાકીય સુધારાઓ કર્યા. એ રીતે આ નવી આવૃત્તિ 1994માં ‘સળગતાં સૂરજમુખી’ના નામે પ્રકાશિત થઈ શકી. સળગતા સૂરજમુખી એ અરવિંગ સ્ટોનની 'લસ્ટ ફોર લાઈફ'નો ગુજરાતી અનુવાદ છે. આ ઉપરાંત શરીફાબેને રમણ સોની દ્વારા અનુવાદિત 'તોત્તો ચાન'ને પણ પોતાના પ્રિય અનુવાદિત પુસ્તકોમાંનું એક ગણાવ્યું.

આ પણ વાંચો:

Last Updated : February 25, 2026 at 2:36 PM IST