અમદાવાદ સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત ડિમોલિશન પૂર્ણ, ત્રણ સ્પાન સલામત રીતે તોડી નીચે ઉતારવામાં આવ્યા
નિષ્ણાતોની દેખરેખ હેઠળ ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ, સલામતીના તમામ ધોરણોનું કડક પાલન કરવામાં આવ્યું.

Published : July 1, 2026 at 3:10 PM IST
અમદાવાદ: શહેરના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરીમાં વધુ એક સફળતા મળી છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સુભાષ બ્રિજના નદીના પટમાં આવેલા ત્રણ સ્પાનનું ડિમોલિશન સંપૂર્ણ સુરક્ષિત રીતે અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી અને કામદારો, મશીનરી તેમજ આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા જળવાઈ રહી છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણેય સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડીને નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ કામગીરી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી. સ્થળ પર સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું, સાથે જ તમામ નિર્ધારિત સલામતી ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું.
ડિમોલિશન દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. કોઈપણ વ્યક્તિને બ્રિજની આસપાસ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજની આ સફળતા સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ સ્પાનનું સુરક્ષિત ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી તબક્કામાં પણ નિર્ધારિત આયોજન મુજબ સલામતીના તમામ માપદંડોનું પાલન કરીને બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત, ડેબ્રીઝ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી નદીના પટને ઝડપથી સાફ કરી શકાય.
જણાવી દઈએ કે, સંપૂર્ણ બ્રિજને તોડીને હવે નવો બનતાં હવે 9 મહિનાની જગ્યાએ અંદાજિત 16 મહિનામાં બ્રિજ બનીને તૈયાર થશે.
આ પણ વાંચો...

