અમદાવાદ ઝોન-7નું 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 સફળ: 24 કલાકમાં 190 ગુનેગારો જેલભેગા, 20 વર્ષથી ફરાર આરોપી પણ સકંજામાં
અમદાવાદમાં ઝોન-7 દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હાથ ધરવામાં આવ્યું હતું.

Published : July 6, 2026 at 12:20 PM IST
|Updated : July 6, 2026 at 2:55 PM IST
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ગુનેગારોમાં ખાખીનો ખોફ પેદા કરવા માટે અમદાવાદ પોલીસ ઝોન-7 દ્વારા એક અત્યંત મોટું અને સફળ કૉમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-7ના તમામ 8 પોલીસ સ્ટેશનો અને LCBની ટીમોએ સાથે મળીને 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' અંતર્ગત માત્ર 24 કલાકમાં 190 જેટલા રીઢા અને ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદમાં ઝોન-7 દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન માત્ર 24 કલાકમાં જ કૂલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં 83 ફરાર આરોપીઓ, 5 તડીપાર, 54 NBW વોરંટ ધરાવતા આરોપીઓ, 11 MV Act-185 હેઠળના આરોપીઓ તેમજ 28 પ્રોહિબિશન કેસના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
20 વર્ષથી ફરાર આરોપી પણ ઝડપાયા
ખાસ વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓમાં 22 આરોપીઓ એક વર્ષથી વધુ સમયથી ફરાર હતા, જ્યારે 2 આરોપીઓ છેલ્લા 20 વર્ષથી પોલીસથી બચતા ફરતા હતા. DCP ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓ સામે છેતરપિંડી, હત્યાના પ્રયાસ, સંગઠિત ગુના, BNSS કલમ-111, અપહરણ, નકલી ચલણી નોટોનો ગુનો અને મંદિર ચોરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઓપરેશન માટે 43 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 8 PI, 37 PSI સહિત કુલ 341 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા."
ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ આરોપી પકડાયા
DCP ઝોન-7 શિવમ વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, "ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પોલીસ ટીમો મોકલીને કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને કચ્છ સહિતના વિસ્તારોમાંથી પણ ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા."
આ કાર્યવાહી દરમિયાન 20 વર્ષથી ફરાર નકલી ચલણી નોટ કેસનો આરોપી રાજસ્થાનમાંથી LCB ઝોન-7 દ્વારા ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પેટ્રોલ પંપ પર નકલી ચલણી નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતો હતો. ઉપરાંત 20 વર્ષથી ફરાર સ્કોર્પિયો ચોરી કેસનો આરોપી મહારાષ્ટ્રમાંથી વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે.
DCP ઝોન-7 શિવમ વર્માએ જણાવ્યું હતું કે, ઝોન-7માં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ લાંબા સમયથી ફરાર અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને કાયદાના સકંજામાં લાવવા માટે 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રાજ્યની બહાર સુધી ટીમો મોકલીને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આવા વિશેષ ઓપરેશન્સ સતત ચાલુ રહેશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:

