અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન, સેન્ટ્રલ જેલમાંથી આવ્યો બહાર
સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને એક કરોડ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

Published : June 3, 2026 at 8:45 PM IST
અમદાવાદ: અમદાવાદના ચર્ચિત ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા બાદ ટ્રાયલ કોર્ટમાં જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં તે સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને એક કરોડ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. જામીનના આદેશ બાદ ટ્રાયલ કોર્ટ સમક્ષ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તથ્ય પટેલના વકીલે કોર્ટને બે અઠવાડિયાની અંદર બોન્ડની રકમ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવાની બાહેંધરી આપી હતી.
જામીન મંજૂર કરતી વખતે ટ્રાયલ કોર્ટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ લાદી છે. કોર્ટના આદેશ અનુસાર તથ્ય પટેલે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે. ઉપરાંત કોર્ટની પૂર્વ મંજૂરી વિના ભારતની બહાર જઈ શકશે નહીં.
કોર્ટે આરોપીને કેસ સાથે જોડાયેલા સાક્ષીઓનો સંપર્ક ન કરવા તેમજ કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચાડવાની પણ સૂચના આપી છે. સાથે જ કેસની સુનાવણી દરમિયાન સમયાંતરે કોર્ટ સમક્ષ હાજર રહેવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇસ્કોન ઓવરબ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી હતી. કેસની તપાસ અને કાનૂની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે.
હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તથ્ય પટેલ જેલની બહાર આવ્યો છે, પરંતુ તેની સામે ચાલી રહેલી ટ્રાયલ પ્રક્રિયા યથાવત રહેશે. આગામી દિવસોમાં કેસની સુનાવણી અને પુરાવાઓના આધારે કોર્ટમાં વધુ કાર્યવાહી હાથ ધરાશે.

