પ્રેમ પ્રકરણમાં પ્રમિકાએ કર્યો હતો પ્રેમી પર એસિડ એટેક, સેશન્સ કોર્ટે મહિલા આરોપીને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આરોપી મહેજબીનબાનું છુવારાને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે.

Published : July 2, 2026 at 6:25 PM IST
|Updated : July 2, 2026 at 6:56 PM IST
અમદાવાદ: કાલુપુર વિસ્તારમાં વર્ષ 2024માં AMTSના કર્મચારી પર થયેલા એસિડ એટેક કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી મહેજબીનબાનું છુવારાને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસની સુનાવણી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટના જજ એસ.આર.સાંગાણી સમક્ષ ચાલી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજયસિંહ વી.ચાવડાએ રજૂ કરેલા પુરાવા, 8 સાક્ષીઓની જુબાની અને 15 દસ્તાવેજી પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી સજાનો હુકમ કર્યો હતો.
પીડિત 51 વર્ષીય વ્યક્તિ વર્ષો પહેલાં AMTSમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમની ઓળખાણ 39 વર્ષીય મહેજબીનબાનું છુવારા સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે બાદમાં પ્રેમ સંબંધમાં પરિણમી હતી. જોકે પીડિત પરિણીત હોવાથી તેમના પરિવારને આ સંબંધની જાણ થતાં તેમણે છેલ્લા લગભગ એક વર્ષથી મહિલા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.
ઘટના સમયે પીડિત કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલા AMTS બસ સ્ટેન્ડ પર કન્ટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન આરોપી મહિલા બુરખો પહેરીને એક મિત્ર સાથે ત્યાં પહોંચી હતી. સંબંધ કેમ તોડી નાખ્યો તે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી મહિલાએ પીડિત સાથે મારામારી કરી અને તેના પર એસિડ ફેંકી દીધું હતું.એસિડ હુમલામાં પીડિતની આંખ, પીઠ અને ગુપ્ત ભાગ ગંભીર રીતે દાઝી ગયા હતા. પીડિતે બૂમાબૂમ કરતા આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. સારવાર બાદ પણ પીડિતની આંખની દ્રષ્ટિ પર કાયમી અસર થઈ હોવાનું કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન FSLના રિપોર્ટમાં પીડિતના કપડાં તેમજ ઘટનાસ્થળેથી એસિડના અંશો મળી આવ્યા હતા, જે પ્રોસિક્યુશન માટે મહત્વના વૈજ્ઞાનિક પુરાવા બન્યા હતા.
બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી હતી કે, ઘટના સમયે મહિલા બુરખામાં હોવાથી તેની ઓળખ થઈ શકે તેમ નહોતી. ઉપરાંત આરોપીના મોબાઇલ ફોનનું લોકેશન પણ તપાસમાં પ્રાપ્ત થયું નહોતું. બચાવ પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે, પીડિતના અન્ય એક મહિલા સાથે પણ સંબંધો હતા અને તે સંબંધ તૂટવાના કારણે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે કોર્ટે બચાવ પક્ષની દલીલો સ્વીકારી નહોતી. સરકારી પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓ, વૈજ્ઞાનિક પુરાવાઓ અને સમગ્ર ઘટનાક્રમને વિશ્વસનીય ગણાવી કોર્ટે મહેજબીનબાનું છુવારાને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકાર્યો છે.

