ખજૂરનું શાક, સોયાબિનની ચા... સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અવનવી વાનગીઓનો રસથાળ, ઉંબાડિયું ખાવા માટે લાઈન લાગી
અમદાવાદ શહેરમાં વિસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેડિશનલ ફૂડનું મજા માણવા માટે પાંચ દિવસ નક્કી કરવામાં આવ્યા છે.

Published : December 27, 2025 at 6:33 PM IST
અમદાવાદ: લીલા ચણાનું શાક, ખજૂરનું શાક, ઉબાડિયું રીંગણનો ઓળો, બાજરી, જવાર, મકાઈના રોટલા, સુરતી ઉંધિયું અને સોયાબીનની ચા... આ બધી વાનગીઓના નામ સાંભળીને તમારા મોંમાં પાણી આવી ગયું હશે. જો તમે અમદાવાદમાં હોય તો આ બધી વાગનીઓનો સ્વાદ એક જ જગ્યાએ માણી શકો છો. અમદાવાદમાં આવી વિસરાતી અને અવનવી વાનગીઓ પીરસતો સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ આજથી શરૂ થયો છે. ત્યારે આ ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાતીઓનું ફેવરિટ ઉંબાડિયું ખાવા માટે અહીંયા લાઈન લાગી હતી. ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ઉંબાડિયું ખાવાની જ મજા કંઈક જુદી હોય છે.
ઉંબાડિયું એ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડની પ્રખ્યાત ડિશ છે. તે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે અને ઠંડીમાં લોકો તેને મજાથી ખાતા હોય છે. સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં પણ ઉંબાડિયાનો સ્ટોલ લાગ્યો છે જેને ખાવા માટે લોકોની લાઈન લાગી રહી છે.
કેવી રીતે બને છે ઉંબાડિયું?
ઉંબાડિયું બનાવવા માટે ઘણી બધી શાકભાજીઓની જરૂર પડે છે. જેમાં ખાસ કરીને લીલા ધાણા, લીલું લસણ, લીલી ડુંગળી અને ફુદીના, સુરતી, પાપડી, રતાળુ, શક્કરિયા, બટાકા-રીંગણ, સીંગદાણા, મીઠું, તેલનો ઉપયોગ કરવામાં અને તમામ શાકભાજીને મોટા કાપીને તૈયાર કરવામાં આવે છે અને આ શાકભાજીને એક માટલામાં ભરીને તેને ઉપરથી બંધ કરીને છાણા સળગાવીને 45 મિનિટ સુધી બાફવામાં આવે છે. ત્યાર પછી બાફેલી શાકભાજીને ચટણી સાથે મિક્સ કરીને ગરમા ગરમ પીરસવામાં આવે છે.

ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ માલિક કિરીટ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી અમે ઉંબાડિયું બનાવવાનું કામ કરીએ છીએ. એની અંદર અમે વનસ્પતિ, પાપડી, રતાળુ, શક્કરિયા અને બટાકા મિકસ કરીને બનાવીએ છીએ. અને છેલ્લા પાંચ વર્ષથી અમે આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ ભાગ લઈએ છે. અમદાવાદ આવીએ છીએ. ઉંબાડિયું બનાવવા માટે એક કલાકનો સમય લાગે છે. 500 રૂપિયા કિલોનું ઉંબાડિયું છે અને એક ડીશનો ભાવ અમે 200 રૂપિયા રાખ્યો છે. પબ્લિકની એટલી ભીડ લાગે છે કે, હું ન્યાય ન આપી શકું અને પરંતુ લોકોને આ વસ્તુઓ બહુ જ ગમે છે એટલે ખાવા માટે આવે છે. આ હેલ્થ માટે બહુ જ સારું છે એને વાયુનાશક કરીને બનાવવામાં આવે છે.
તો ઉંબાડિયાનો સ્વાદ માણવા આવેલા ગ્રાહક ઈન્દુભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતી વાનગીઓના અમે બહુ જ શોખીન છીએ અને છેલ્લે 23 વર્ષથી આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમે આવીએ છીએ. અત્યાર સુધી કોઈ ફેસ્ટિવલ મિસ નથી કર્યું. સવારથી લઈને અત્યાર સુધી ઉંબાડિયાની ત્રીજી ડિશ મેં ખાઈ લીધી. અને આને ખાવામાં બહુ જ મજા આવે છે. બીજી જગ્યાએ મળતું નથી. સ્પેશિયલ વલસાડ જઈને અમે ઉંબાડિયું ખઈને આવીએ છીએ.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં વિસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેડિશનલ ફૂડનું મજા માણવા માટે પાંચ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. 27 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી આ ફૂડ ફેસ્ટિવલ રહેશે.

આ ફૂડ ફેસ્ટિવલમાં અન્ય વિસરાતી વાનગીઓ મકાઈની રાબ, કેળા અને ઓટની બ્રાઉની, રાગીના લાડુ, રાગીની ચાટ, મોરિયાના દહીંવડા, નારીયલની રબડી, ગુલાબજાંબુ, રાજગરાની સુખડી, રાગીની ઈડલી, પાલકની જલેબી, શિંગોડા ચાટ અને બીજી અનેક વાનગીઓથી ભરપૂર આ ફૂડ ફેસ્ટિવલ છે અને આમાં ઘણાને વિસરાતી વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. તેની સાથે પ્રાકૃતિક ખેત પેદાશો ખેડૂતો પાસેથી ખરીદવાની તક અહીંયા મળશે. 400 થી વધુ પરંપરિત વિસરાતી વાનગીઓ અહીંયા મળી રહી છે.
આ પણ વાંચો:

