સપ્તકનો ચોથો દિવસ: પખાવજ વાદન, શાસ્ત્રીય ગાયન અને વાંસળીના સૂર અને તાલનો અદભૂત સમન્વય રજૂ થયો
દ્રુપદ ગાન અને સિતાર સુર રેલાયા તો સાંજે પખવાજ વાદન, પ્રવીણ સુલતાનાનું શાસ્ત્રીય ગાન અને રોનુ મઝમુદારનું વાંસળી વાદન મહત્વની પ્રસ્તુતિ બની.

Published : January 5, 2026 at 3:08 PM IST
|Updated : January 5, 2026 at 4:59 PM IST
અમદાવાદ : સપ્તકમાં રવિવારે સવારે અને સાંજે એમ બે બેઠકો હતી. સવારે દ્રુપદ ગાન અને સિતાર સુર રેલાયા તો સાંજે પખાવજ વાદન, પ્રવીણ સુલતાનાનું શાસ્ત્રીય ગાન અને રોનુ મઝમુદારનું વાંસળી વાદન મહત્વની પ્રસ્તુતિ બની.
સપ્તકમાં સવારે સુર તાલનો અદ્ભુત સમન્વય રજૂ થયો
રવિવારે સવારે સપ્તકમાં ઉદય ભાવલુકરે દ્રુપદ ગાન શૈલીથી ભાવકોને શીત સવારે પણ ડોલાવ્યા. દ્રુપદ બાદ કુશળદાસે પોતાના રસમય સિતાર વાદનથી વાતાવરણ રસમય બનાવ્યું હતું.
સાંજે પ્રથમ સત્ર પખાવજ વાદન થકી સંપન્ન બન્યું
રવિવારની સાંજનું પ્રથમ સત્ર પખાવજ વાદન થકી રસમય બન્યું. ધ્યાનેશ્વર અંદીલ દ્વારા આદિ તાલમાં પ્રસ્તાર, શિવ અને હનુમાન પરણ, રેલા અને ટુકડા રજૂ કર્યા, જેમાં યશવંત થીઠાએ હાર્મોનિયમ પર સંગત કરી. ધ્યાનેશ્વર જીની પખવાજ વાદન શૈલીથી ઉપસ્થિત ભાવકોને ડોલાવ્યા. તેઓ 2025ના નંદન મહેતા શાસ્ત્રીય તલવાધ્ય સ્પર્ધાના વિજેતા છે.
પરવીન સુલતાનાના શાસ્ત્રીય ગાન પર શ્રોતાઓ આફરીન, શ્રોતાઓની ફરમાઈશ મળ્યો અદભુત પ્રતિભાવ
સપ્તકના ચોથા દિવસની બીજી બેઠક શાસ્ત્રીય ગાયક પરવીન સુલતાનાના નામે અંકિત થઈ. ત્રણેય સપ્તકમાં સુરની ગજબ પકડ ધરાવતા આ સિનિયર ગાયિકાએ વિલંબિત એક તાલમાં રાગ કલાવતીમાં બંદિશ રજૂ કરી. ત્યારબાદ પરવીન સુલતાનાએ રાગ હંસ ધ્વનિમાં તરાના અને ઠુમરીની રજૂઆત સાથે શ્રોતાઓની ભારે દાદ મેળવી. શ્રોતાઓની ફરમાઈશ પર તેઓએ તેમણે ગાયેલા પ્રસિદ્ધ હિન્દી ફિલ્મના ગીત "હમેં તુમસે પ્યાર કિતના પૂરા હલક અને ભાવથી રજૂ કરી શ્રોતાઓને અદભૂત ગાયકીની ભેટ અર્પી. જાણીતા શાસ્ત્રીય ગાયક પરવીન સુલતાનાના દાદા અને પિતાની ગાયન પરંપરાને આગળ ધપાવે છે. તેમની સાથે અક્રમ ખાને તબલા પર અને વિનય મિશ્રાએ હાર્મોનિયમ પર સંગત કરી હતી.
અંતિમ સત્રમાં રોનુ મઝમુદારનું વાંસળી વાદને શ્રોતાઓને રસબોળ કર્યા
સપ્તકના ચોથા દિવસના અંતિમ સત્રમાં રોનુ મઝમુદારના વાંસળી વાદને ભાવિકોને શાશ્વતતાનો અનુભવ કરાવ્યો હતો. મૂળે વારાણસીના કલાકાર રોનુ મઝમુદારે રાગ બાગેશ્રી અંગની અને રાગ જયજયવંતીની રજૂઆતો થકી શ્રોતાઓને ધ્યાનસ્થ કર્યા હતા. મૂળે ભારતીય શાસ્ત્રીય સંગીતના વાંસળી વાદક રોનુ મઝમુદારે છેલ્લે રાગ હંસ ધ્વનિની પ્રસસ્તુતિ કરી હતી. ત્રણ ફૂટ લાંબી વાંસળી પર રોનુ મઝમુદારે પોતાના પિતા ગુરૂ ભાનુ મઝમુદારની શિક્ષા થકી આગવી શૈલી વિકસાવી છે. તેઓ પંડિત રવિશંકરજી સાથે પણ સંગત કરી ચૂક્યા છે.
આ પણ વાંચો...

