ETV Bharat / state

પતિને બીજા લગ્ન ભારે પડ્યા!, પત્ની-પુત્રીને દર મહિને રુ.50 હજાર ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ

પત્નીએ ભરણપોષણ, રહેઠાણ અને 1.50 કરોડ રૂપિયાના વળતર સહિતની વિવિધ રાહતોની માંગણી કરી હતી.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 1, 2026 at 1:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદામાં પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરનાર પતિને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાયદેસર લગ્ન ચાલુ હોવા છતાં પત્નીની સંમતિ વિના બીજા લગ્ન કરવું એ માનસિક અને ભાવનાત્મક ઘરેલું હિંસાનું ગંભીર સ્વરૂપ છે. કોર્ટે પતિને પત્ની અને પુત્રીના ભરણપોષણ માટે દર મહિને કુલ 50 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગતો મુજબ, વર્ષ 2011માં સુરતમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ બંનેના લગ્ન થયા હતા. પત્નીએ લગ્ન પહેલાં પોતાના પ્રથમ લગ્નથી એક પુત્ર હોવાની અને પોતાની ઉંમર વધુ હોવાની વાત સ્પષ્ટ કરી હતી. તેમ છતાં પતિએ તમામ હકીકતો જાણીને લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દંપતિને એક પુત્રીનો જન્મ થયો હતો. પત્નીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આંતરજ્ઞાતીય લગ્નના કારણે સાસરિયાઓ દ્વારા દહેજના મુદ્દે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, પતિએ તેની મરજી વિરુદ્ધ બે વખત ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી.

પત્નીના આક્ષેપ મુજબ, ડિસેમ્બર 2017માં પતિએ તેની જાણ બહાર બીજા લગ્ન પણ કરી લીધા હતા. આ મામલે તેણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અરજદાર પત્નીનો દાવો હતો કે ઓક્ટોબર 2018થી પતિ તેને અને પુત્રીને તરછોડી અલગ રહે છે અને પરિવારના નિર્વાહ માટે પૂરતી આર્થિક સહાય આપતો નથી. પતિ ખાનગી વીમા કંપનીમાં સિનિયર એરિયા હેડ તરીકે કાર્યરત હોવાથી દર મહિને આશરે 2 લાખ રૂપિયાની આવક ધરાવે છે. તેથી પત્નીએ ભરણપોષણ, રહેઠાણ અને 1.50 કરોડ રૂપિયાના વળતર સહિતની વિવિધ રાહતોની માંગણી કરી હતી.

બીજી તરફ પતિએ તમામ આક્ષેપોને નકાર્યા હતા. પતિએ કોર્ટમાં દલીલ કરી હતી કે પત્ની પોતાના સ્વભાવના કારણે પોતાની મરજીથી અલગ રહે છે. વધુમાં પત્ની અગાઉ ખાનગી વીમા કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતી હોવાથી કમાવવાની ક્ષમતા ધરાવે છે. પતિએ એવો પણ દાવો કર્યો હતો કે વર્ષ 2017-18થી તે પત્નીના ખાતામાં નિયમિત રીતે દર મહિને 35થી 40 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરતો આવ્યો છે.

પતિએ વધુમાં કોર્ટને જણાવ્યું હતું કે, વર્ષ 2019થી અત્યાર સુધીમાં તેણે ભરણપોષણ પેટે કુલ 23.36 લાખ રૂપિયા ચૂકવ્યા છે. ઉપરાંત પુત્રીની સ્કૂલ ફી અને વીમાનો ખર્ચ પણ પોતે જ ઉઠાવ્યો છે. પતિએ આક્ષેપ કર્યો હતો કે પત્નીએ કોર્ટ સમક્ષ આ આર્થિક સહાયની વિગતો છુપાવી છે. જોકે તેણે સ્વીકાર્યું હતું કે પત્ની પાછી ન ફરતા તેણે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ હવે બીજી પત્નીને પણ છૂટાછેડા આપી દીધા છે.

ચુકાદો આપતાં કોર્ટે નોંધ્યું કે કાયદેસર લગ્ન અસ્તિત્વમાં હોવા છતાં પત્નીની સંમતિ વિના બીજા લગ્ન કરવું એ પત્ની સામે માનસિક અને ભાવનાત્મક હિંસાનું ગંભીર સ્વરૂપ ગણાય. કોર્ટે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈને જણાવ્યું કે આવા કૃત્યથી પત્નીના માનસિક સ્વાસ્થ્ય અને વૈવાહિક અધિકારો પર સીધી અસર થાય છે.

જોકે કોર્ટે એ પણ નોંધ્યું કે પત્નીને બેંક ટ્રાન્સફર મારફતે નિયમિતપણે નોંધપાત્ર રકમ મળતી હોવા છતાં તેણે મુખ્ય અરજીમાં આ હકીકતનો ઉલ્લેખ કર્યો નહોતો. કોર્ટે આ બાબતને પણ નોંધપાત્ર ગણાવી હતી. તેમ છતાં પતિએ પોતાની સાચી આવક અને મિલકત અંગેનું સોગંદનામું રજૂ કર્યું ન હોવાથી કોર્ટે ઉપલબ્ધ સંજોગોના આધારે તેની માસિક આવક આશરે 2 લાખ રૂપિયા હોવાનું ગ્રાહ્ય રાખ્યું. સસરા અને નણંદ વિરુદ્ધ ઘરેલું હિંસાના કોઈ ચોક્કસ અને વિશ્વસનીય પુરાવા રજૂ ન થતાં કોર્ટે તેમની સામેનો કેસ કાઢી નાખ્યો હતો. જ્યારે પતિ સામેના આક્ષેપો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે જરૂરી રાહતો આપવાનો નિર્ણય કર્યો હતો.

અંતે અદાલતે પત્નીની અરજીને આંશિક રીતે મંજૂર કરી હતી. કોર્ટે પતિ અને તેની બીજી પત્નીને અરજદાર પત્ની અને પુત્રી સામે કોઈપણ પ્રકારની શારીરિક, માનસિક અથવા આર્થિક હિંસા ન કરવા આદેશ કર્યો છે. સાથે જ પત્ની અને પુત્રીના નિર્વાહ માટે દર મહિને કુલ 50 હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. પુત્રીની કસ્ટડી માતા પાસે જ રહેશે. જોકે પત્નીએ માંગેલું 1.50 કરોડ રૂપિયાનું વળતર કોર્ટે નકારી કાઢ્યું છે.

આ કેસમાં અરજદાર પત્ની તરફથી રજૂઆત કરનાર વકીલ મહેશ ભાવસારે જણાવ્યું હતું કે અદાલતે તમામ પુરાવા, દસ્તાવેજો અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ખાસ કરીને પત્નીની સંમતિ વિના બીજા લગ્નને ઘરેલું હિંસાના ગંભીર સ્વરૂપ તરીકે ગણાવતી કોર્ટની નોંધ ભવિષ્યના સમાન કેસોમાં પણ મહત્વપૂર્ણ માર્ગદર્શનરૂપ બની શકે છે.

આ પણ વાંચો...

  1. માનહાનિના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જારી કરાયેલા સમન્સને સીએમ આતિશીએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો - ATISHI CHALLENGED SUMMONS OF COURT
  2. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 30થી 40 વર્ષ જૂના કેસો પડતર