ETV Bharat / state

અમદાવાદ રોગચાળાના અજગર ભરડામાં: રોજ તાવના 2000 કેસ નોંધાય છે, ઓગસ્ટ માસમાં સ્વાઇન ફ્લુના 600 કેસ આવ્યા

ચોમાસાની ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભારે માથું ઊંચક્યું છે. સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં કલ્પના બહારનો વધારો નોંધાયો છે.

અમદાવાદ રોગચાળાના ભરડામાં
અમદાવાદ રોગચાળાના ભરડામાં (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 1, 2026 at 7:38 PM IST

4 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. માત્ર કેસોની સંખ્યા જ નહીં, પરંતુ આ વખતે વાયરસની ઘાતકતા પણ અગાઉ કરતાં વધુ જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ મુજબ, શહેરમાં હાલ ડેન્ગ્યુ ટાઇપ-2 ના કેસો સૌથી વધુ સામે આવી રહ્યા છે. જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના માત્ર 68 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં આ આંકડો વધીને 264 પર પહોંચી ગયો છે. ડેન્ગ્યુ માટે જવાબદાર ડેન્ગી વાયરસના મુખ્ય 4 પ્રકાર (DEN-1, DEN-2, DEN-3, DEN-4) હોય છે. AMC દ્વારા પોઝિટિવ કેસોના જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.

ચોમાસાની ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભારે માથું ઊંચક્યું છે. સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં કલ્પના બહારનો વધારો નોંધાયો છે. શહેરમાં પ્રતિદિન સરેરાશ 2000થી વધુ વાયરલ તાવના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. માત્ર સાદો વાયરલ જ નહીં, પરંતુ એચ-વન-એન-વન (સ્વાઇન ફ્લૂ) તેમજ મચ્છરજન્ય બીમારીઓના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

અમદાવાદ રોગચાળાના ભરડામાં (ETV Bharat Gujarat)

AMCના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા છે.

  • ​વાયરલ તાવ: દરરોજ આશરે 2000 કેસ.
  • ​સ્વાઇન ફ્લૂ (H1N1):
  • ​ઓગસ્ટ માસમાં જ 600 દર્દીઓ નોંધાયા.
  • ​હાલ ૬૦ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • ​ડેન્ગ્યુ: જુલાઈમાં 68 કેસ સામે ઓગસ્ટમાં વધીને 264 કેસ.
  • ​સામાન્ય મેલેરિયા: જુલાઈમાં 50 કેસ સામે ઓગસ્ટમાં 103 કેસ.
  • ​ઝેરી મેલેરિયા (ફાલ્સીપેરમ): જુલાઈમાં માત્ર 5 કેસ સામે ઓગસ્ટમાં ચોંકાવનારા 20 કેસ.

હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા હાલમાં મચ્છરજન્ય રોગોનો નિયંત્રણ કરવા માટે કામગીરી કાર્યરત કરવામાં આવેલી છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 246, સાદા મલેરિયાના 103 કેસ, ઝેરી મરીલિયાના 20 કેસ નોંધાયેલા છે. ઓગસ્ટ મહિનામાં 9000 જેટલા ડેન્ગ્યુના સીરમ ટેસ્ટિંગ કરવામાં આવેલા છે. મલેરીયા માટે એક લાખ જેટલા તપાસ અર્બન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવેલ છે.

  • ​દર્દીઓના સેમ્પલ: 136 દર્દીઓના સેમ્પલમાંથી 58 સેમ્પલમાં વાયરસનું ટાઇપિંગ શક્ય બન્યું હતું.
  • ​46 દર્દીઓમાં: ટાઇપ-2 (DEN-2) વાયરસ
  • ​1 દર્દીમાં: ટાઇપ-3 (DEN-3) વાયરસ
  • ​5 દર્દીઓમાં: મિક્સ વાયરસની હાજરી મળી આવી છે.
  • ​મચ્છરોના સેમ્પલ: આરોગ્ય વિભાગ દ્વારા એકત્ર કરાયેલા મચ્છરોના 333 સેમ્પલમાંથી 29 સેમ્પલ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતા.
  • ​25 સેમ્પલમાં: ટાઇપ-2 વાયરસ
  • ​4 સેમ્પલમાં: ટાઇપ-3 વાયરસ મળી આવ્યો છે.

મચ્છરજન્ય કેસો અટકાવવા અંગેની કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હસ્તકની વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ શાખા દ્વારા હાલની ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં થયેલ વરસાદના કારણે મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાની તમામ કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા નીચે દર્શાવ્યા મુજબ તમામ પ્રકારની સઘન રોગ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

રહેણાંક મકાનોમાં મચ્છરનાશક કામગીરી
મેલેરીયા નાબુદી કાર્યક્રમ હેઠળ રહેણાંક મકાનોમાં મચ્છરનાશક કામગીરી અંતર્ગત જરૂરીયાત મુજબના મકાનોની અંદર સંગ્રહીત પાણીના પાત્રો તેમજ અન્ય જગ્યાઓ ભરાયેલ તમામ પાણીમાં મચ્છરના પોરાનાશક કામગીરી હેઠળ કુલ 6,66,118 ઘરોમાં આઈ.ડી. એક્ટીવીટી કરવામાં આવેલી છે, તેમજ 16,752 મચ્છરના પોરા જોવા મળેલ છે અને 3677 તાવના દર્દીઓની ઘરે ઘરે જઈને સ્થળ પર જ લોહીના નમૂના (Blood Smear અથવા Rapid Diagnostic Test) લેવામાં આવેલ છે.

રહેણાંક વિસ્તારોમાં મુખ્યત્વે અગાસીમાં પડેલા જૂના ટાયર/પ્લાસ્ટિકના ડબ્બા/કૂંડા તથા ઘરની અંદર કૂલર/પાણીથી ભરેલ ફ્લાવર પોટ ઘરની બહાર રાખવામાં આવેલ પક્ષીચાટ/પાણી ભરેલ-ઢાંકવામાં ન આવેલ ટાંકી વિગેરે જગ્યાઓએ મચ્છરના પોર જોવા મળે છે.

વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખાની ટીમો દ્વારા છેલ્લા અઠવાડિયા દરમ્યાન રેસિડેન્સ વિસ્તારમાં 828 સોસાયટીઓમાં જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ છે. તેમજ બ્રીડીંગ મળી આવેલ 1145 એકમોને નોટીસ આપી કુલ રૂ.26,300 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.

કૉમર્શીયલ એકમો/કન્સ્ટ્રક્શન સાઈટ
ચાલુ વર્ષ દરમ્યાન હેલ્થ વિભાગ દ્વારા મલેરિયા નિયંત્રણ કામગીરી માટે કુલ 9677 કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે પૈકી 3529 એકમોને નોટિસ બજાવવામાં આવેલ છે. તેમજ કુલ રૂ.65,66,200નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષ દરમ્યાન વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખાની ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં કુલ 82383 કૉમર્શીયલ એકમો ચેકિંગ કરવામાં આવેલ છે. જે પૈકી 11,230 એકમોને નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂ.41,60,530નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.

સરકારી તથા પ્રાઇવેટ પ્રીમાઈસીસીનું ચેકિંગ
હાલની ચોમાસાની ઋતુને ધ્યાને રાખી શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલ સરકારી તથા પ્રાઇવેટ પ્રીમાઈસીસીનું સધન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ડે. મ્યુનિસિપલ કમિશ્નર, આસી. મ્યુનિસિપલ કમિશ્નર, આરોગ્ય અધિકારી, ડે. હેલ્થ ઓફિસર, આસી. એન્ટોમોલોજીસ્ટ, જૂની. આસી. એન્ટોમોલોજીસ્ટ તેમજ હેલ્થ તેમજ અન્ય વિભાગના તમામ અધિકારીઓ દ્વારા અ.મ્યુ.કો.ની વિવિધ રેસીડેન્સીયલ વિસ્તાર ચેક કરવામાં આવેલ છે. છેલ્લા અઠવાડિયા દરમ્યાન સરકારી અને અર્ધ સરકારી મળી કુલ 1292 એકમ ચેક કરેલ જે પૈકી 64 જગ્યાઓએ બ્રીડિંગ જોવા મળેલ તથા 2039 પ્રાઇવેટ પ્રીમાઇસીસ ચેક કરવામાં આવેલ જે પૈકી 259 જગ્યાઓએ બ્રીડિંગ જોવા મળેલ હતું.

ફોગીંગ
હાલમાં કાર્યરત કુલ 258 ફોગીંગ મશીન દ્વારા જુદા જુદા વોર્ડમાં ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળા અટકાયતી પગલાની કામગીરી માટે પોર્ટેબલ ફોગીંગ મશીન દ્વારા ઘરોમાં ફોગીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.

મૉસકીટો લાર્વી સિડલ ઓઈલ સ્પેઈંગ
દરેક ઝોનની વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખાની ટીમો દ્વારા શહેરમાં આવેલ જુદા જુદા એકમોના ધાબા પર આઈ.ડી. કામગીરી ન કરી શકાય તેવા તેવા એકમોમાં 5100થી વધુ ઓઈલ બોલ દ્વારા કામગીરી કરાવવામાં આવેલ છે.

યુ.એચ.સી. / સી.એચ.સી.માં બ્લડ સ્મીયાર અને સીરમ સેમ્પલ
વર્ષ 2026 દરમ્યાન કુલ 11,78,920 લોહીના નમૂના તથા 41,606 ડેન્ગ્યુના સિરમ સેમ્પલ તથા 8,117 ચિકનગુનિયાના સિરમ સેમ્પલ લેવામાં આવેલ છે.

તળાવમાં ગંબુશિયા ફીસ
પેરિડોમેસ્ટિક ટ્રીટમેન્ટમાં ઘર કે મકાનની આસપાસના પરિસર જેમ કે કમ્પાઉન્ડ, ખુલ્લા પ્લોટ, આંગણું કે બહારની દીવાલોમાં મચ્છરના ઉપદ્રવ અને પોરાનો નાશ કરવા માટે કરવામાં આવતી ચોક્કસ પ્રતિબંધાત્મક કાર્યવાહી હેઠળ છેલ્લા અઠવાડિયા દરમ્યાન કુલ ૧૬૩૫ નાના-મોટા પડલ્સમાં ૧૦ ટેન્કરો દ્વારા ૧૦ ફેરા કરવામાં આવેલ છે, જેમાં ૮૯૨ લી. મેલેરિયા લારવીસાઈડ ઓઈલ તેમજ ૧૪૫.૮૫ લી. બી.ટી.આઈ. વાપરવામાં આવેલ છે. પાણી ભરાયેલ મોટા ખાડામાં ૧૪૭ જગ્યાઓ પર ગંબુશિયા (Gambusia) માછલીઓ મુકવામાં આવેલ છે. તેમજ અ. મ્યુ. કો. વિસ્તારમાં આવેલ તમામ તળાવોમાં પણ ગંબુશિયા (Gambusia) માછલીઓ મુકવામાં આવેલ છે.

આ પણ વાંચો:

  1. દાંતાના મધુસુદનપુરા ગામના લોકોએ પંચાયત વિભાજન સામે દર્શાવ્યો વિરોધ, કલેકટર કચેરીએ કરી રજૂઆત
  2. ભરૂચ : દોઢ મહિનાથી વરસાદ બંધ છતાં લુવારા ગામની 500 એકર જમીન જળમગ્ન, ખેડૂતોની હાલત કફોડી