ચોટીલામાં ગેરકાયદેસર હોટલ પર ફરી બુલડોઝર ફરી વળ્યું, પ્રાંત અધિકારીની કડક કાર્યવાહી
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીનમાં બનાવવામાં આવેલી અમરદીપ હોટલ ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું.

Published : January 5, 2026 at 3:54 PM IST
સુરેન્દ્રનગર : અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલી ગેરકાયદેસર હોટલો તોડી પાડવાની કામગીરી ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલી વધુ એક સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલી હોટલ તોડી પાડીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા તાલુકાના મધરીખડા ગામે અમરદીપ હોટલ ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે.
છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર હોટલ બનાવી નાખવામાં આવી હતી. આ હોટલ વાણિજ્ય ખેતુ માટે બનાવવામાં આવી હતી. આ ઉપરાંત હોટલની બાજુમાં પંચરની દુકાનો, ટોયલેટ અને બ્લોક પાથરી દેવામાં આવ્યા હતા, ત્યાં ધંધો રોજગાર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે આ મુદ્દે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરી અને જમીનના પુરાવા માંગવામાં આવતા આ જમીન સરકારી હોવાનું સામે આવ્યું હતું.
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીનમાં બનાવવામાં આવેલી અમરદીપ હોટલ ઉપર બુલડોઝર ફેરવી નાખી અને તોડી પાડવામાં આવી છે. 16 કરોડ 37 લાખ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગણતરીના દિવસોમાં 11 જેટલી હોટલો પાડી અને અંદાજિત 100 કરોડથી વધુની જમીનો ખુલ્લી કરવામાં આવી છે.


સરકારી જમીન ઉપર હોટલો બનાવતા માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમની સામે પગલા ભરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેને લઈને ગેરકાયદેસર હોટલો ધરાવતા અને સરકારી જમીનમાં દબાણ કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો...

