અમદાવાદમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, ગેરકાયદે વસવાટ કરતા 166 બાંગ્લાાદેશી નાગરિક ઝડપાયા
અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા 166 બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા છે.

Published : June 3, 2026 at 1:26 PM IST
અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા 166 બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા છે. શહેરમાં ગેરયાકદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 'ઓપરેશન ડેલ્ટા' હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની 30થી વધુ ટીમોએ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં દરોડા પાડી 300થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન 166 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદમાં 166 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા
રાજ્ય સરકારના નિર્દેશ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ, SOW અને સાયબર ક્રાઇમની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 30થી વધુ ટીમો બનાવીને ગત રાત્રે સમગ્ર શહેરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. નારોલ, વટવા, ઓઢવ, ઇસનપુર, દાણીલીમડા, સરખેજ અને નરોડા સહિતના વિસ્તારોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસે અત્યાર સુધીમાં 300થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં 166 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે તેમાં 41 પુરુષ, 95 મહિલાઓ અને 30 બાળકોનો સમાવેશ થાય છે. અન્ય લોકોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી હજુ ચાલુ છે.
JCP ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલે ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 300 જેટલા લોકોને અટકમાં લેવામાં આવ્યા છે, જેમાંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ મહિલાઓમાંથી ઘણી સ્પા અને પ્રોસ્ટિટ્યુશન સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી, જ્યારે મોટાભાગના પુરુષો ટેલરિંગ, કચરો વીણવા અને મજૂરીના કામ સાથે જોડાયેલા હતા. સ્થાનિક એજન્ટોની સંડોવણી અને બોગસ દસ્તાવેજો બનાવવાના રેકેટ અંગે પણ તપાસ ચાલી રહી છે."

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત અમદાવાદમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા શંકાસ્પદ લોકોના આધાર-પુરાવા અને ઓળખ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં મોટી સંખ્યામાં લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ભારતીય દસ્તાવેજો પણ મળી આવ્યા છે. પોલીસ કમિશનર જી.એસ. માલિકના જણાવ્યા મુજબ આ દસ્તાવેજો કયા એજન્ટો દ્વારા બનાવવામાં આવ્યા, કોણે તેમને સહાય કરી અને ગેરકાયદેસર રીતે ઓળખપત્રો મેળવવામાં કોની ભૂમિકા હતી તે તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશનની જાણ થતાં કેટલાક શંકાસ્પદ લોકો અમદાવાદ રેલવે સ્ટેશન તરફ ભાગવાનો પ્રયાસ કરતા હતા, જ્યારે કેટલાક બસ અને રોડ માર્ગે શહેર છોડવા નીકળી ગયા હતા. જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને મોટી સંખ્યામાં લોકોને શોધી કાઢ્યા હતા. JCP ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક બાંગ્લાદેશી નાગરિકો થોડા મહિનાઓ પહેલાં જ અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ અહીંથી કમાયેલી રકમ પોતાના વતન બાંગ્લાદેશ મોકલતા હતા. આ મામલે સ્થાનિક એજન્ટો અને આંગડિયા પેઢીઓની સંભવિત ભૂમિકાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર જી.એસ. માલિકે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને અમદાવાદમાં વસવાટ કરતા તમામ બાંગ્લાદેશી નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારત સરકારના ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે, ગયા વર્ષે અમદાવાદમાંથી 465 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ વર્ષે હાથ ધરાયેલું "ઓપરેશન ડેલ્ટા" અમદાવાદ પોલીસના ઇતિહાસમાં ઘૂસણખોરો સામેની સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રહેશે અને હજુ વધુ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:

