અમદાવાદ પોલીસને મળ્યા નવા સુકાની: અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યો ચાર્જ, અસામાજિક તત્વો આપી કડક વોર્નિંગ
નવ નિયુક્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, અમદાવાદ પોલીસનો ગૌરવશાળી ઇતિહાસ વધુ મજબૂત બનાવવો તેમની પ્રથમ જવાબદારી રહેશે.

Published : July 4, 2026 at 4:25 PM IST
અમદાવાદ: અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. 1997 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતે આજે શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરી ખાતે વિધિવત રીતે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો. રાજ્યના નવા DGP તરીકે જી.એસ. મલિકની નિમણૂક બાદ છેલ્લા 25 દિવસથી ખાલી રહેલી અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા હવે ભરાઈ છે.
ચાર્જ હસ્તાંતરણ બાદ રાજ્યના DGP જી.એસ. મલિકે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ક્રાઇમ કંટ્રોલ અને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે. ચંડોળા સહિતના અનેક મહત્વપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા. શહેરના ટ્રાફિકને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક જંક્શન પર નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકાઈ, જ્યારે 108 એમ્બ્યુલન્સના પ્રતિસાદ સમયમાં પણ ઘટાડો નોંધાયો છે.
DGPએ જણાવ્યું કે 'મિશન ફિટ ખાખી' અભિયાનથી પોલીસ કર્મચારીઓના આરોગ્યમાં સુધારો થયો છે. લોકભાગીદારીના સહયોગથી શહેરમાં 24 હજારથી વધુ CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 7 હજારથી વધુ કેમેરાની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે, છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ મોટા સનસનીખેજ ગુનાનો ભેદ ઉકેલ્યા વગર રહ્યો નથી.
નવ નિયુક્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, અમદાવાદ પોલીસનો ગૌરવશાળી ઇતિહાસ વધુ મજબૂત બનાવવો તેમની પ્રથમ જવાબદારી રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આવનારી ઐતિહાસિક રથયાત્રા અમદાવાદ પોલીસ માટે સૌથી મોટી પ્રાથમિકતા રહેશે અને સમગ્ર તંત્ર સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરશે. કાયદો અને વ્યવસ્થા ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે સામાન્ય નાગરિકો સાથે પોલીસનું વર્તન નમ્ર અને સંવેદનશીલ રહેશે. પોલીસ સ્ટેશન સ્તરે જ લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા અને ટ્રાફિક વ્યવસ્થામાં વધુ સુધારા માટે વિશેષ આયોજન કરવામાં આવશે.
મીડિયાના સહયોગની અપેક્ષા વ્યક્ત કરતાં પોલીસ કમિશનરે કહ્યું કે, પ્રજાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે પોલીસ અને મીડિયાનું સંકલન મહત્વપૂર્ણ રહેશે. અંતમાં તેમણે ગુનેગારોને કડક સંદેશ આપતા કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સાથે જ ઉમેર્યું કે અમદાવાદ શહેરનું નામ ખરાબ ન થાય, તે અમારી સૌથી મોટી જવાબદારી છે.
આ પણ વાંચો:

