ETV Bharat / state

AMCએ ટ્રાફિક સલામતીને લઈને બહાર પાડી માર્ગદર્શિકા, વાહનચાલકો અને પગપાળા જતાં લોકોને કર્યો આ અનુરોધ

અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અવર-જવર વચ્ચે સલામતી વધુ મજબૂત બનાવવા માટે કોર્પોરેશન દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

AMCએ ટ્રાફિક સલામતીને લઈને બહાર પાડી માર્ગદર્શિકા
AMCએ ટ્રાફિક સલામતીને લઈને બહાર પાડી માર્ગદર્શિકા (X/@AMC)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 4, 2026 at 1:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, અને પદયાત્રીઓ અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

એક તરફ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે, જેના કારણે પદયાત્રીઓ અને વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને ઘણા લોકો તો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. ત્યારે અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અવર-જવર વચ્ચે સલામતી વધુ મજબૂત બનાવવા માટે કોર્પોરેશન દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નાગરિકો પદયાત્રીઓ અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રસ્તાઓનો ઉપયોગ કરતી વખતે દરેક નાગરિકે જરૂરી સાવચેતી રાખવી જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે, જેથી અકસ્માત અટકાવી શકાય અને સૌ માટે સુરક્ષિત માર્ગ વ્યવસ્થા જાળવી શકાય.

આ માર્ગદર્શીકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલનું કડક પાલન કરવું જોઈએ, નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન થાય તેમજ જીબ્રા ક્રોસિંગ પર પદયાત્રીઓ રસ્તા ઓળંગતા હોય ત્યારે ગાડી રોકીને તેમને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ. રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ઓવર સ્પીડિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા માટે સૂચના આપવામાં આવી છે. જંકશન, શાળાઓ, હોસ્પિટલો, બજારો તેમજ જીબ્રા ક્રોસિંગ નજીક વાહનની ગતિ ધીમી રાખીને પદયાત્રીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

આ મુદ્દાને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ પદયાત્રીઓને પણ ખાસ અપીલ કરી છે કે, તેઓ રસ્તો માત્ર નિર્ધારિત સ્થળો જેમકે ઝીબ્રા ક્રોસિંગ, પગપાળા સિગ્નલ ક્રોસિંગ અને ફૂટ ઓવર બ્રીજનો ઉપયોગ કરીને જ રસ્તા ક્રોસ કરવું જોઈએ. ટ્રાફિક સિગ્નલનું કડક પાલન કરવું અને ઝીબ્રા ક્રોસિંગ પર પરવાનગી મળ્યા બાદ જ રસ્તો ક્રોસ કરવો જોઈએ. ગ્રીન સિગ્નલ દરમિયાન વાહનો રોકાઈ જાય તેની રાહ જોવી જોઈએ તેમજ ઉતાવળમાં ચાલતા વાહનોની વચ્ચે અનધિકૃત સ્થળથી રસ્તો ક્રોસ કરવાની આદત ટાળવાની પણ અપીલ કરવામાં આવી છે.

રસ્તાઓ પર ચાલતી વખતે કેટલાંક લોકો મોબાઈલ ફોન અથવા ઇયરફોનનો ઉપયોગ કરે છે અને જેનાથી ધ્યાન ભંગ થાય છે અને અકસ્માતનું જોખમ વધી શકે છે, જેથી રસ્તાઓ ક્રોસ કરતી વખતે આવા ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઈએ. વરિષ્ઠ નાગરિકો બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓને રસ્તો ઓળંગવામાં પ્રાથમિકતા અને જરૂરી સહાય પુરી પાડવા માટે પણ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

  1. અમદાવાદ: AMCની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ખાડા, પ્રદૂષિત પાણી અને ટ્રાફિક મુદ્દે મોટા નિર્ણયો
  2. અમદાવાદ ટ્રાફિક પર ગુજરાત હાઇકોર્ટની તાકીદ, સુરતની SVNIT સાથે MOU કરી સર્વે શરૂ; 8 મહિનામાં તૈયાર થશે સંપૂર્ણ પ્લાન