ETV Bharat / state

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે ગાઈડલાઈન અને SOP જાહેર કરી

ખાસ કરીને વડોદરામાં બોટ પલટીની ઘટનામાં માસૂમ બાળકોના જીવ ગયા હતા, તેને ધ્યાનમાં રાખીને આ SOP તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 30, 2026 at 9:14 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ શહેરના તળાવો અને જળાશયોમાં જાહેર સુરક્ષા વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સક્રિય બન્યું છે. કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે વિગતવાર ગાઈડલાઈન અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કર્યું છે.

રાજ્યમાં તળાવોમાં અનેક દુર્ઘટનાઓ બનતી હોવાના પગલે, ખાસ કરીને વડોદરામાં બોટ પલટીની ઘટનામાં માસૂમ બાળકોના જીવ ગયા હતા, તેને ધ્યાનમાં રાખીને આ SOP તૈયાર કરવામાં આવ્યું છે. જો આ માર્ગદર્શિકાનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય નિયમો અને ગાઈડલાઈન:

1. લાઈફ જેકેટ અને તાલીમ પામેલા સ્ટાફ

બોટિંગમાં ભાગ લેનાર તમામ પેસેન્જર્સ તેમજ ક્રૂ મેમ્બર્સ માટે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે. બોટિંગ ક્રૂ માત્ર તાલીમ પામેલા, ક્વોલિફાઈડ અને તરતા જાણતા વ્યક્તિઓને જ રાખી શકાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે ગાઈડલાઈન અને SOP જાહેર કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે ગાઈડલાઈન અને SOP જાહેર કરી (ETV Bharat Gujarat)

2. ક્ષમતા અને ઓવરલોડિંગ

ટિકિટ કાઉન્ટર, જેટી અને દરેક બોટ પર મુસાફરોની મહત્તમ ક્ષમતા સ્પષ્ટપણે દર્શાવવી પડશે. કોઈપણ સંજોગોમાં ઓવરલોડિંગને મંજૂરી આપવામાં આવશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે ગાઈડલાઈન અને SOP જાહેર કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે ગાઈડલાઈન અને SOP જાહેર કરી (ETV Bharat Gujarat)

3. પેસેન્જરની માહિતી અને રેકોર્ડ

ટિકિટ આપતી વખતે દરેક મુસાફરનું નામ અને મોબાઈલ નંબર ફરજિયાત નોંધવો પડશે. કયા સમયે કેટલા લોકો બોટિંગ માટે ગયા તેનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે ગાઈડલાઈન અને SOP જાહેર કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ અને જાહેર સુરક્ષા માટે ગાઈડલાઈન અને SOP જાહેર કરી (ETV Bharat Gujarat)

4. ઇમરજન્સી સુવિધા અને સીસીટીવી

  • દરેક બોટિંગ સ્થળે એક ઇમરજન્સી બોટ તૈનાત રાખવી પડશે.
  • બોટમાં ચડવા-ઉતરવાના સ્થળો સુરક્ષિત હોવા જોઈએ.
  • જરૂરી જગ્યાએ 24 કલાક સીસીટીવી કેમેરા ચાલુ રાખવા પડશે.

5. સિક્યુરિટી અને અન્ય નિયમો

કોર્પોરેશનની મંજૂરી વિના કોઈપણ ફૂડ કોર્નર કે ટેમ્પરરી સ્ટોલ લગાવી શકાશે નહીં. દરેક તળાવ અને ગાર્ડનમાં સિક્યુરિટી તૈનાત કરવામાં આવશે. તેમને ઇમરજન્સી સમયે પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ કેવી રીતે લેવી તેની તાલીમ આપવામાં આવશે.

અમલીકરણ માટે કમિટીઓની રચના:

આ SOPનું કડક અને નિયમિત અમલીકરણ કરવા માટે કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી વિશેષ કમિટીઓની રચના કરવામાં આવી છે:

  • પ્રોજેક્ટ લેવલ કમિટી: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ચીફ ફાયર ઓફિસર સહિત કુલ 9 સભ્યો. દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વોટર રિસોર્સ મેનેજમેન્ટ) નોડલ અધિકારી રહેશે.
  • ઝોન લેવલ કમિટી: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઝોન)ના નેતૃત્વમાં દર 15 દિવસે રિવ્યૂ.
  • સબ-ઝોન લેવલ કમિટી: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં સાપ્તાહિક સઘન તપાસ અને રિવ્યૂ.