શું આ ચોમાસે પણ અમદાવાદ 'પાણી-પાણી' થશે? AMCની પ્રિ-મોનસૂનની કેવી છે કામગીરી
ગત વર્ષના 147 વોટર લોગિંગ સ્પોટમાંથી માત્ર 39 સ્પોટ જ દૂર કરાયા, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવાની શક્યતા.

Published : June 3, 2026 at 11:45 AM IST
અમદાવાદ : શહેરમાં ચોમાસાના આગમનને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, ગત વર્ષે નોંધાયેલા વોટર લોગિંગ સ્પોટ પૈકી અનેક સ્થળોએ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી. જેના કારણે આ વર્ષે પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
AMCના એડિશનલ સિટી એન્જિનિયર વિજય પટેલના જણાવ્યા અનુસાર, શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે 6006 નવી કેચપિટ બનાવવામાં આવી છે. ગત વર્ષમાં રહેલી 66580 કેચપિટ સાથે મળીને હવે શહેરમાં કુલ 72586 કેચપિટ ઉપલબ્ધ છે. તમામ કેચપિટની સફાઈ અને જાળવણીની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
ગયા વર્ષે અમદાવાદ શહેરમાં કુલ 147 વોટર લોગિંગ સ્પોટ નોંધાયા હતા. AMC દ્વારા કરાયેલી કામગીરીના આધારે માત્ર ૩૯ સ્પોટને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પરિણામે હાલમાં શહેરમાં હજુ પણ 108 વોટર લોગિંગ સ્પોટ હયાત છે. આ પૈકી માત્ર 83 સ્થળોએ જ કામગીરી પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે.
ઝોનવાર આંકડાઓ મુજબ પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૩૭ વોટર લોગિંગ સ્પોટ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં 24, પશ્ચિમ ઝોનમાં 18, દક્ષિણ ઝોનમાં 14, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7, મધ્ય ઝોનમાં 6 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા 2 સ્પોટ નોંધાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે પૂર્વ ઝોનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સૌથી વધુ ગંભીર બની શકે છે.

શહેરમાં હજુ પણ 12 વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી ચાલુ છે, જ્યારે 13 સ્થળો માટે માત્ર આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ 12 કામોમાંથી ૫ કામો ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. જોકે બાકીના 7 કામો લાંબા ગાળાના આયોજનનો ભાગ હોવાથી ચોમાસા દરમિયાન પણ કામગીરી ચાલુ રહેશે.
આ દરમિયાન રાયખડ વિસ્તારમાં આવેલા જયશંકર સુંદરી હોલ બહારની સ્થિતિ પણ તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા કરે છે. અહીં બે મહિના પહેલાં પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે આજે પણ રસ્તાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી.
સ્થાનિક રહેવાસી મહેશભાઈના જણાવ્યા અનુસાર, પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તો ખોદાયેલો જ છોડી દેવામાં આવ્યો છે. જેના કારણે વિસ્તારમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે હવે ચોમાસું નજીક છે અને જો આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાશે તો હાલની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

નાગરિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે શહેરમાં પાણી ભ રાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે હજુ વધુ અસરકારક આયોજન અને ઝડપી કામગીરીની જરૂર છે. ચોમાસા પહેલાં બાકી રહેલા વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
આ પણ વાંચો...

