હવામાન વિભાગે કહ્યું, ધીરેધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે, ગુજરાતમાં 26 જુને બેસશે ચોમાસું
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં 26 જુને ચોમાસું બેસશે.

Published : June 23, 2026 at 4:02 PM IST
|Updated : June 23, 2026 at 5:59 PM IST
અમદાવાદ: જૂન મહિના પૂરો થવાને આરે છે, છતાં પણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ નથી, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 26 જુને ચોમાસુ બેસી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એમા પણ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટની આગાહી કરી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે માછીમારોને સાવચેત રહેવા સૂચના આપી છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસું ધીરેધીરે આગળ વધી રહ્યું છે, મહારાષ્ટ્રમાં ચોમાસુ આગળ વધ્યું છે. ગુજરાતમાં 26 જૂને ચોમાસુ બેસે તેવી શક્યતા છે આગામી દિવસોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાયકલોનીક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે.

