સલામ છે! ઉત્તરાયણમાં દોરીથી લોકોનું ગળું ન કપાય એટલે છેલ્લા 19 વર્ષથી બ્રિજ પર તાર બાંધે છે આ અમદાવાદી
અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર 'મિશન સેવ ઉત્તરાયણ' દ્વારા તમામ બ્રિજ પર તાર લગાવવાની શરૂઆત કરી છે.

Published : January 10, 2026 at 7:05 AM IST
અમદાવાદ: ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તે દરમિયાન લોકો ઉત્સાહ સાથે ધાબા પર પતંગ ચગાવતા હોય છે. પરંતુ આ પતંગની દોરીથી ઘણા લોકોના ગળા કપાઈ જાય છે અને પશુ-પક્ષીઓને પણ ઇજા થાય છે. આવા અકસ્માત અને લોકોના જીવ બચાવવા માટે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર 'મિશન સેવ ઉત્તરાયણ' દ્વારા તમામ બ્રિજ પર તાર લગાવવાની શરૂઆત કરી છે. આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી 'મિશન સેવ ઉત્તરાયણ' દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.
19 વર્ષથી અમદાવાદી મેનનું મિશન સેવ ઉત્તરાયણ
ઉત્તરાયણ એટલે કે પતંગનો તહેવાર અને લોકો ધાબા પર ચડીને રંગબેરંગી પતંગ ચગાવવાની મજા લે છે. પરંતુ જ્યારે પતંગ કપાઈ જાય અને તેની દોરી કોઈના ગળામાં ફસાઈ જાય તો મોટી દુર્ઘટના થાય છે અને લોકોનો જીવ જતો રહે છે. આવી ઘટનાઓએ મનોજ ભાવસારને અંદરથી હચમચાવી દીધા. ત્યારે 19 વર્ષ પહેલા અમદાવાદમાં મિશન સેફ ઉત્તરાયણ અને મિશન હેપ્પી ઉત્તરાયણ અભિયાનની શરૂઆત કરી હતી. શરૂઆતમાં માત્ર ઓવરબ્રિજ ફરતે તાર લગાવતા હતા. પરંતુ આજે સમગ્ર અમદાવાદના બ્રિજ પર તેઓ તાર લગાવે છે. આ તાર લગાવવાના કારણે દોરી વાગવાના અકસ્માતોમાં વર્ષોથી સતત ઘટાડો થઈ રહ્યો છે. અને 19 વર્ષથી તે વિરામ લીધા વગર સેવાનું કામ કરી રહ્યા છે. તેમણે 2006-07 માં ટુ-વ્હીલર માટે સેફ્ટી રિંગની શોધ કરી હતી. ત્યારે લોકો તેમને પાગલ કહેતા હતા, પરંતુ હવે બધાની ટુ-વ્હીલર પર આવા સેફટી રીંગ લગાવવામાં આવી રહ્યા છે.

આ અંગે ETV ભારત સાથે વાત કરતા મનોજ ભાવસારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પતંગની દોરીથી વ્યક્તિઓને ઘાયલ થતા બચાવવા માટે સૌથી પહેલા મેં યુ શેપની રીંગ બનાવી હતી. જેને આજે લોકો દરેક ટુ-વ્હીલરમાં ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે સૌથી પહેલા મેં આ યુ શેપની રીંગ બનાવી હતી તો લોકો મને પાગલ કહેતા હતા. 2008 અને 2010માં પતંગની દોરીથી ખતરનાક અકસ્માત થયા હતા અને એ સ્થળ ઉપર લોકોના મૃત્યુ થયા હતા. તે પછી અમે બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી શરૂ કરી. અને દર વર્ષે હું બ્રિજ પર તાર બાંધું છું અને આ વર્ષે 33 બ્રિજ પર તાર લગાવીને સુરક્ષક કવચ બાંધવામાં આવ્યું છે. અને હું દર વર્ષે લોખંડના તાર બ્રિજ પર બાંધું છું. છેલ્લા 19 વર્ષથી હું આ કામગીરીને વધારી રહ્યો છું.
તેઓ આગળ કહે છે, અમે કોઈપણ જાતનું ગવર્મેન્ટ કે કોર્પોરેશનનું ડોનેશન લીધું નથી. મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશનનો ખર્ચ હું અને મિત્રો ભોગવીએ છીએ. જેના માટે કોર્પોરેશન તરફથી અમને મંજૂરી આપવામાં આવે છે અને કોર્પોરેશન અમને હાઇડ્રોલિક ગાડી આપે છે. ઉપર ચડીને હું તારો બાંધું છું. 26 ડિસેમ્બરથી લઈને 10 જાન્યુઆરી સુધી આ કાર્ય કરવામાં આવે છે. અમદાવાદમાં ટોટલ 54થી વધારે બ્રિજ છે, પરંતુ જેના ઉપર અકસ્માત થવાની સંભાવના છે, તેવા 33 બ્રિજ ઉપર તાર બાંધવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરી કરવાથી મને બહુ જ ખુશી થાય છે કારણકે પતંગનો તહેવાર કોઈના માટે માતમમાં ન ફેરવાય, કોઈના ગળા ના કપાઈ જાય આવી ઘટનાઓ ન બને તેના માટે અમે કામ કરી રહ્યા છીએ.
તો સ્થાનિક સ્કૂલના પ્રિન્સિપાલ જીવનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મનોજભાઈનું ઘર મારી શાળાની સામે જ આવેલું છે. અને છેલ્લા ઘણા સમયથી હું એમની સેવાકીય પ્રવૃતિને નરી આંખે જોઈ રહ્યો છું. એ બહુ સેવાભાવી માણસ છે અને મનોજભાઈ દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન બ્રિજ પર તાર લગાવે છે અને જ્યારે સૌ પ્રથમ તેઓ યુ શેપ રિંગ લાવ્યા હતા ત્યારે લોકો એમને જોઈને બહુ જ હસતા હતા અને કહેતા હતા કે આ કરવાથી કોઈ ફરક જ ના પડે. અને આજે આ લગાવવો એક બિઝનેસ બની ગયો છે અને ફરજિયાત થઈ ગયું છે. અને ખાસ કરીને બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી ખરેખર સારાહનીય છે. મોટાભાગે બ્રિજ ઉપર ગળામાં લોકોને દોરી વાગે છે અને ઘણી વખત તો આગળ બેઠેલા બાળકોને દોરી વાગી જાય છે. અને કેટલાક લોકોના મૃત્યુ પણ થઈ જાય છે. તો મનોજભાઈ આવી ઘટના ન બને તે માટે બહુ જ સરસ કામગીરી કરી રહ્યા છે.

તો સ્થાનિક હર્ષદ ભાઈએ જણાવ્યું હતું કે, મનોજભાઈ ભાવસાર છેલ્લા 17-18 વર્ષથી કામ કરી રહ્યા છે અને તેના કારણે ઘણા લોકોના જીવન બચ્યા છે. બ્રિજ પર તાર બાંધ્યા છે અને એમને અમે જોયા છે. આનાથી અકસ્માત ઓછા થાય છે. તેની સાથે તે ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ બચાવે છે અને જીવ દયાનું કામ કરે છે.

દૂધેશ્વર વિસ્તારમાં રહેતા મકવાણા સરોજબેને જણાવ્યું હતું કે, મનોજભાઈ બહુ જ સારું કામ કરી રહ્યા છે. મારા ઘરથી નજીક દદીચી બ્રિજ છે. આ બ્રિજ પર મેં એમને તાર લગાવતા જોયા હતા અને દર વખતે એ આ કામ કરે છે. આવતા જતા માણસોને પતંગની દોરી વાગી ના જાય, કોઈના ગળા ના કપાય કોઈ અકસ્માત ના થાય, એના માટે ખાસ સેવાનું કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચો:

