ગ્રાઉન્ડ રિપોર્ટ: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર, સ્થાનિકોમાં ભારે રોષ
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ હરકિશન પોળ, માંડવીની પોળ, હીરા ગાંધીની પોળ દરેક જગ્યાએ ગંદા પાણીની સમસ્યા, સ્થાનિકો ગાંદા પાણીની સમસ્યાથી પરેશાન.

Published : May 19, 2026 at 8:00 PM IST
અમદાવાદ : મધ્ય ઝોનમાં આવેલ ઐતિહાસિક વિસ્તાર ખાડિયા છેલ્લા 50 વર્ષથી ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખાડિયાની ઘણી પોળોમાં આજે પણ ગંદુ પાણી આવે છે. ETV ભારતની ટીમે ખાડિયા વિસ્તારની સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે.
હરકિશન પોળમાં ગંદા પાણીની સમસ્યા
ખાડિયામાં આવેલી હરકિશન પોળમાં છેલ્લા દસ દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે. અહીં રહેતાં શારદાબેને જણાવ્યું કે, "અમે છેલ્લા 50 વર્ષથી આ પોળમાં રહીએ છીએ. લગભગ બે મહિનાથી અહીં સવારમાં ગંદુ પાણી આવે છે. સવારે 6:00 થી 8:00 વાગ્યા સુધી પાણી આવે છે, પરંતુ 7:00 વાગ્યા સુધી તો ગંદુ જ પાણી આવે છે. તો અમે પાણી ક્યાંથી ભરીએ?"
મંજુબેનની વ્યથા
સ્થાનિક મંજુબેને જણાવ્યું કે, "છેલ્લા 60 વર્ષથી અમે અહીં રહીએ છીએ. શેઠની પોળમાં પાણી ખૂબ જ ગંદુ આવે છે. પીવાનું પાણી કેવી રીતે ભરવાનું? અને અડધો કલાક જ સાફ પાણી આવે છે, એમાં પાણી ભરવાનું કે કપડાં ધોવાનું?"
માંડવીની પોળમાં ડ્રેનેજની સમસ્યા
માંડવીની પોળમાં રહેતાં સુરેશભાઈએ જણાવ્યું કે, "પાણી પીવા લાયક આવતું નથી. માંડ માંડ 15મી તારીખ પછી પાણી આવે છે અને 7:45 વાગે પાણી બંધ થઈ જાય છે. કોઈ ઓપરેશનમાં ફરિયાદ કરવા જઈએ તો લોકો આવે છે અને ગટર સાફ કરીને જતા રહે છે. થોડા દિવસ ઠીક રહે છે, પછી ફરી એવી જ સ્થિતિ થઈ જાય છે."
"ખાડિયામાં મુખ્ય સમસ્યા પાણીની છે, જેના કારણે ઘણા લોકો હિજરત કરવા માટે મજબૂર થઈ ગયા છે. સવારે લગભગ એક કલાક સુધી પાણીમાં ડ્રેનેજના પાણી મિક્સ હોય, મચ્છર હોય કે જીવજંતુ વાળું પાણી આવે છે. ખાડિયાની ઘણી પોળોમાં તો પાણી હાથમાં લાગે છે તો ખંજવાળ શરૂ થઈ જાય છે અને એલર્જી થાય છે. આ પાણી પીવાથી લોકોમાં બીમારીઓ ફેલાય છે. એવી ગંભીર પરિસ્થિતિ છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે." - મનીષ બ્રહ્મભટ્ટ, સામાજિક કાર્યકર
માતા વાલા ખાંચા, માંડવીની પોળમાં રહેતાં અજયભાઈએ જણાવ્યું કે, "અહીંની ડ્રેનેજ લાઇન છેલ્લા દસ વર્ષથી બદલવામાં આવી નથી, જેના કારણે અહીં દૂષિત પાણી આવે છે. મારી માંગ છે કે પાઇપલાઇન બદલી નાખવામાં આવે અને આ વિસ્તારમાં સાફ પાણી આવે એવી વ્યવસ્થા કરવામાં આવે."

હીરા ગાંધીની પોળમાં 70 વર્ષનો ઇતિહાસ
ખાડિયા વિસ્તારની હીરા ગાંધીની પોળમાં પણ એવી જ સ્થિતિ જોવા મળી. અહીં રહેતાં હીનાબેને જણાવ્યું કે, "છેલ્લા 70 વર્ષથી અમે અને અમારા પરિવારના લોકો અહીં રહે છે. છેલ્લા છ મહિનાથી અહીં પાણી ખૂબ જ ખરાબ આવે છે. પીળું અને ગંદુ પાણી આવે છે. નવી લાઇન નાખવાથી અહીં ફોર્સથી પાણી આવે છે, પરંતુ દૂષિત પાણી આવે છે. બે કલાકના પાણીની અંદર વચ્ચે થોડીવાર ચોખ્ખું પાણી આવે તો થોડીવાર ગંદુ પાણી આવે છે. ધ્યાન ન આપીએ તો ગંદુ જ પાણી ટાંકીમાં ભરાઈ જાય છે. ઠેઠ સાડા સાત વાગે ચોખ્ખું પાણી આવે તો પીવાનું પાણી ભરીએ છીએ."

દાણાપીઠ ફાયર સ્ટેશન પાસે પણ સમસ્યા
દાણાપીઠ ફાયર સ્ટેશન પાસે રિયાલિટી ચેક કરવામાં આવતા ત્યાંના લોકોએ પણ દૂષિત પાણીની ફરિયાદ કરી. ભરતભાઈ ઠાકોરે જણાવ્યું કે, "અમારા આખા ડેલામાં ગંદુ પાણી આવે છે અને અમને કોઈ સાંભળતું નથી."
મહાદેવના ડેલામાં રહેતાં નર્મદાબેને જણાવ્યું કે, "અમારે કલાકો સુધી પાણી આવતું નથી. પાણી લેવા માટે બધા અહીં કહેતા હતા કે અમે તમને સાફ પાણી લઈને આપીશું. પરંતુ કોર્પોરેશનનું રિલેશન પતી જાય છે ત્યારબાદ કોઈ જોવા આવતા નથી."

પાણીમાં જીવજંતુ અને ઇયળ
મહાદેવના ખાંચામાં રહેતાં હસમુખ રાજપૂતે જણાવ્યું કે, "અહીં એટલું ગંદુ પાણી આવે છે કે પાણીમાંથી ઇયળ નીકળી હતી. જીવજંતુ વાળું પાણી આવે છે. પુષ્કળ ગંદુ પાણી આવે છે, જેના કારણે અહીં ફેકવામાં પાણી જાય છે. લોકો રાહ જોઈ જોઈને સાફ પાણી ભરે છે, ગૃહણીઓને ખૂબ જ તકલીફ પડે છે."
AMC નો જવાબ
આ સમસ્યા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તરફથી માહિતી આપવામાં આવી છે. એન્જિનિયર ટીમ તરફથી આ બધી જગ્યાઓએ ડ્રેનેજ લાઇન સફાઈ, પાણી લાઇન વોચ આઉટ અને કલોરિન લેવાની કામગીરી કરવામાં આવી છે. સદર જગ્યાઓએ પોલ્યુશન અંતર્ગત નવી ડ્રેનેજ અને પાણીની લાઇન નાખવાનું આયોજન કરેલ છે. ટીમ આજે સવારે ગાંધીની પોળ, હરકિશન શેઠની પોળ, માણેકચોક આખા પટ્ટા ઉપર ગઈ હતી અને ત્યાંની સમસ્યાના નિરાકરણ માટે કામગીરી કરી હતી.
આ પણ વાંચો...

