ઇસનપુર તળાવમાં મેગા ડિમોલેશન, "મકાનની સામે મકાન આપીશું, પરંતુ હજુ સુધી અમે બેઘર".... પરિવારોની વેદના
અમદાવાદના ઇસનપુર તળાવમાંથી હજારો ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.

Published : December 15, 2025 at 8:14 PM IST
અમદાવાદ : શહેરમાં એક પછી એક તળાવ પર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પહેલા ચંડોળા તળાવમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું અને પછી 24 નવેમ્બરના દિવસે અમદાવાદના ઇસનપુર તળાવમાંથી હજારો ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.
ઇસનપુર તળાવને રી-ડેવલપ કરવામાં આવશે. ઇસનપુર રામવાળી તળાવનું ડેવલપમેન્ટ કરવા માટે સૌથી પહેલા તળાવના ફરતે દિવાલ બનાવવામાં આવશે. ઇસનપુર તળાવના નવીનીકરણ વિશે ચાલો જાણીએ આ અહેવાલમાં...
"હાલમાં અમદાવાદના ઇસનપુરમાં રામવાળી તળાવની ફરતે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. હવે આ તળાવને ડેવલોપ કરવામાં આવશે. આ કામ ઝડપથી શરુ કરવાની સૂચના આપવામાં આવી છે, તળાવની ફરતે દિવાલ બનાવવામાં આવશે. હવે ફરીથી ત્યાં કોઈ દબાણ ન થાય એટલે દીવાલ બનાવવામાં આવશે. એક કન્સલ્ટની નિમણૂક કરીને જે કંઈ ડેવલપમેન્ટ આ તળાવ માટે કરવાનું છે, તે કામ ઝડપથી આગળ કરવામાં આવશે." - દિલીપ બગડીયા, ચેરમેન, વોટર કમિટી
લોકોને ઝડપથી સુવિધાઓ મળશે અને આ તળાવ નવું બનીને તૈયાર થઈ જશે. આ તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. અહીંયા લોકો હરી ફરી શકે તેથી ગાર્ડન અને બેસવાની વ્યવસ્થા અને બાળકો માટે રમત રમતના સાધનો મૂકવામાં આવે છે. લોકો આ તળાવને સારી રીતે નિહાળી શકશે.

ઇસનપુર તળાવમાં રહેતા અને જેના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું તે સંજય રમેશભાઈ રાણાએ જણાવ્યું કે,
"આ ઇસનપુર તળાવની પાસે અમે છેલ્લા 40 વર્ષથી રહેતા હતા. 24 નવેમ્બરની સવારે એ લોકો બુલડોઝર લઈને અહીંયા પહોંચી ગયા હતા અને ડિમોલેશન કરવામાં આવ્યું. કોર્પોરેશન દ્વારા અમને જણાવવામાં આવ્યું કે, તમને મકાનની સામે મકાન આપીશું, પરંતુ હજુ સુધી અમે બેઘર છીએ, ભાડાના મકાનમાં રહીએ છીએ. દસ હજાર રૂપિયા ભાડુ હોય છે, જેના કારણે અમે બહુ જ તકલીફ પડી રહી છે.

અમે ઘરના ભાડા ભરીએ, સ્કુલની ફી ભરીએ, ઘર ચલાવીએ અને કઈ રીતે કામ કરીએ, એ અમારા માટે સમસ્યા બની ગઈ છે. એટલે સરકારને વિનંતી છે, કે અમારા માટે થોડીક વ્યવસ્થા કરે, જેનાથી અમને થોડી રાહત મળે. અમને નોટિસ મળી હતી અને બીજી નોટિસમાંએ લોકો અહીંયા આવીને તોડફોડ કરી નાખ્યું. સરકાર કહે છે કે ગેરકાયદેસર છે, પરંતુ આ મકાન બહુ જ જૂના છે. 50 થી 60 વર્ષો પહેલા લોકો અહીંયા રહેતા હતા. અમે વેરા બિલ, લાઈટ બિલ બધું જ મળતા હતા. અહીંયા 925 જેટલા મકાનોને તોડવામાં આવ્યા હતા. જો હવે આ તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવશે તો અમને કોઈ વાંધો નથી એ કરે છે સારું કરે છે, પરંતુ અમને થોડીક રાહત મળે એવી કાર્યવાહી કરવી જોઈએ.


"અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ચોમાસુ પહેલા આ ઘરોને નોટિસ મોકલવામાં આવી હતી. દિવાળીને કારણે ડિમોલેશનમાં મોડું થયું. જેથી હવે ડિમોલેશન કરવામાં આવ્યું છે, હાલ ચાર ભાગમાં કામ કરવામાં આવ્યું, ઇસનપુર તળાવ પર કબજો કરનારાઓમાં 10 લોકો નોટિસ વિરુદ્ધ હાઇકોર્ટ ગયા હતા, પરંતુ હાઇકોર્ટે રાહત ના આપી." - રિદ્ધેશ રાવલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, AMC
તેમણે જણાવ્યું કે, "વોટર બોડી પર કોઈ પણ પ્રકારના અતિક્રમણ યોગ ઠેરવી શકાતું નહીં, તેના પછી હાઇકોર્ટે ડિમોલેશનનો ઓર્ડર આપ્યો હતો. અહીંયા 925 રાહત મકાનો તોડવામાં આવ્યા અને 167 ગેરકાદેસર કોમર્શિયલ બાંધકામોને તોડવામાં આવ્યા. અમદાવાદામાં ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ ઇસનપુર તળાવ છે. અંદાજિત 96 હજાર મીટરમાં તળાવ ફેલાયેલું છે. જેમાં 30 ટકા ભાગમાં દબાણ હતું. દબાણ ખાલી કરવા માટે પૂરતો સમય આપ્યો હતો, પરંતુ આ દબાણો ખાલી નહીં થયાને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પીડીતોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવશે.
આ પણ વાંચો...

