ETV Bharat / state

અમદાવાદમાં 14મા ઈન્ટરનેશનલ ફ્લાવર શોની શરૂઆત, વીકેન્ડમાં જશો તો ટિકિટનો વધુ ચાર્જ ચુકવવો પડશે

14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે.

અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત
અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 1, 2026 at 2:20 PM IST

|

Updated : January 1, 2026 at 2:37 PM IST

4 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો પ્રારંભ થયો છે. નવા વર્ષની શરૂઆત રંગીન અને સુગંધિત બનાવતા આ ફ્લાવર શોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. 'ભારત એક ગાથા' અને 'સ્ત્રી સશક્તિકરણ'ની થીમ પર આ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. “ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડીમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે મુખ્યમંત્રી દ્વારા "સ્ત્રી સશક્તિકરણ" ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવ્યું. આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત (ETV Bharat Gujarat)

‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પરના વિશિષ્ટ સ્કલ્પ્ચરની શું છે વિશેષતાઓ
‘ધ સમિટ ઑફ વિમેન્સ વોઈસીસ’ નામથી ઓળખાતું આ શિલ્પ 15 ફૂટ ઊંચું સ્ટીલ પિરામિડ છે, જે મહિલાઓની સહનશક્તિ અને સામૂહિક શક્તિનું શક્તિશાળી પ્રતીક છે. આ શિલ્પમાં ચાર ખુલ્લા પ્રવેશદ્વારો દર્શાવવામાં આવ્યા છે, જે મહિલાઓનાં જીવનમાં લેતા વિવિધ વળાંકો અને અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે. જે તમામ એક જ શિખર પર એકરૂપ થાય છે, જે વૈવિધ્ય વચ્ચેની એકતાનું પ્રતિબિંબ રજૂ કરે છે.

આ પિરામિડની રચના લેઝરકટ સ્ટેનલેસ સ્ટીલમાંથી કરવામાં આવી છે, જેમાં વિવિધ ભાષાઓમાં ‘Mother’, ‘Leader’, ‘Creator’ અને ‘Survivor’ જેવા શબ્દોનો સમાવેશ કરાયો છે. જે મહિલાઓ દ્વારા આજીવન ભજવાતી વિવિધ ભૂમિકાઓને પ્રતિબિંબિત કરે છે.

અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત
અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત (ETV Bharat Gujarat)

ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬નાં મહત્ત્વનાં આકર્ષણો

ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે, જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે.

પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જિવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે.

ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો ‘શાશ્વત ભારત’ ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે. આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવ્યા છે. જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે જોડે છે.

અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત
અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત (ETV Bharat Gujarat)

આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવાં નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે. આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજની પ્રતિમા ભારતની કલાત્મક સમૃદ્ધિ, પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બની રહેશે.

આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ‘ભારતની સિદ્ધિઓ’ ઝોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવીવીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે.

પ્રદર્શનનું એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન રહેશે, જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત
અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત (ETV Bharat Gujarat)

મુલાકાતીઓની સુગમતા માટે ચાર ખાસ પ્રવેશદ્વાર

  • ગેટ નંબર 1 – ફ્લાવર પાર્ક, એલિસબ્રિજ પાસે, રિવરફ્રન્ટ વેસ્ટ
  • મલ્ટિલેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી
  • ગેટ નંબર 4 – ઇવેન્ટ સેન્ટર, રિવરફ્રન્ટ વેસ્ટ
  • પૂર્વ પ્રવેશ, અટલ બ્રિજનો પૂર્વ છેડો, રિવરફ્રન્ટ પૂર્વ

ટિકિટના દર તથા સમય
મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર રૂ. 80/- તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પ્રવેશ દર રૂ. 100/- રહેશે. વધુમાં, તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરનાં બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાનાં વિદ્યાર્થીઓ માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. અ.મ્યુ.કો. સિવાયની શાળાઓનાં બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9 થી 1 સુધી પ્રવેશ દર રૂ.10/- રહેશે. વધુમાં, મુલાકાતીઓ માટે સવારે 8 થી 9 તેમજ રાત્રે 10 થી 11 સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં રૂ. 500 પ્રવેશ દર રહેશે.

આ વિશે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફ્લાવર શો અમદાવાદના સૌથી મોટા આકર્ષણોમાંનો એક છે. લાખો લોકો આ ફ્લાવર શોની મુલાકાત લે છે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે. આ વર્ષનો ફ્લાવર શો ખરેખર નોંધપાત્ર અને રંગબેરંગી છે. આ વર્ષનો ફ્લાવર શો ભારતના સપનાઓને દર્શાવે છે, જેની શરૂઆત "ભારત એક ગાથા" થી થાય છે, જેમાં ભારતના નૃત્યો દર્શાવવામાં આવે છે, જે વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે. બાદમાં, સરદાર પટેલના વિશ્વ રેકોર્ડની યાદમાં એક ફ્લાવર વોલ બનાવવામાં આવી હતી. અંતે, કોમનવેલ્થ ગેમ્સ બુલેટ ટ્રેન બનાવવામાં આવી હતી. આમ, ફ્લાવર શો શરૂઆતથી અંત સુધી ભારતની વાર્તા કહે છે. આજે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું અને ફુલાવર શોની મુલાકાત લીધી.

ફ્લાવર શોની મુલાકાત લેવા માટે આવેલા બાબુલાલ શેઠે જણાવ્યું હતું કે, આ કોણ ફ્લાવર શો ખુબ જ સરસ બનાવેલો છે અને ફ્લાવર શોની મુલાકાત કરી અને જોવામાં બહુ જ સારું લાગે છે અને દરેક નાગરિકોને એક વખત તો ફ્લાવર શોની મુલાકાત લેવી જોઈએ. અહીંયા અદભુત અને રેર ફૂલો જોવા મળશે. અહીંયા સરદાર પટેલને ફૂલોથી બનાવવામાં આવ્યા છે. આઈ એમ મિસાઈલ્સ, કોમનવેલ્થ ગેમ એવું ઘણું બધું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: 'ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ - 2026' નું નામ નોંધાશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, જાણો કેવી રીતે થશે સંપૂર્ણ પ્રક્રિયા
  2. ગજબનું ગોબર આર્ટ, ગાયના છાણમાંથી બનાવી ભારતીય સંસ્કૃતિને દર્શાવતી કલાકૃતિઓ
Last Updated : January 1, 2026 at 2:37 PM IST