64 વર્ષીય પત્નીની ભરણ-પોષણની માંગ કરતી અરજી અમદાવાદની ફેમિલી કોર્ટે ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો ?
67 વર્ષીય પતિ સામે 64 વર્ષીય પત્નીએ માસિક 15 હજાર રૂપિયાના ભરણપોષણની માંગ સાથે વર્ષ 2022માં અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી

Published : March 3, 2026 at 4:52 PM IST
|Updated : March 3, 2026 at 6:02 PM IST
અમદાવાદ: અમદાવાદ ફેમિલી કોર્ટમાં 64 વર્ષીય પત્નીએ પોતાના 67 વર્ષીય પતિ સામે માસિક 15 હજાર રૂપિયાના ભરણપોષણની માંગ સાથે વર્ષ 2022માં અરજી દાખલ કરી હતી. લાંબી સુનાવણી બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.
કેસ મુજબ બંનેએ વર્ષ 1977માં લગ્ન કર્યા હતા અને સંતાનમાં તેમને ત્રણ દીકરા છે. ત્રણેય દીકરા હાલ વિદેશમાં સ્થાયી છે. પત્નીએ કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે, પતિ સાસરીયાઓની વાતોમાં આવી તેમને છોડીને જતા રહ્યા હતા અને તેના ઘરેણાં ગીરવે મૂકી દીધા હતા. તેણે નવ વર્ષ સુધી પિયરિયામાં રહી નોકરી કરીને સંતાનોને ભણાવ્યા હોવાનું કોર્ટને જણાવ્યું હતું.
પત્નીના જણાવ્યા મુજબ પતિએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. બાદમાં બંને ફરી ભેગા થયા, પરંતુ મનમેળ ન થતાં હાલ બંને અલગ-અલગ દીકરાઓના ઘરે અમદાવાદમાં રહે છે. પત્ની નાના દીકરાના ઘરે અને પતિ મોટા દીકરાના ઘરે રહે છે. પત્નીએ દલીલ કરી હતી કે પતિ કપડાના હોલસેલ વ્યવસાય સાથે જોડાયેલા છે અને મહિને અંદાજે 25 હજાર રૂપિયા કમાય છે. તેથી તેને મહિને 15 હજાર રૂપિયાનું ભરણપોષણ મળવું જોઈએ.

પતિ તરફથી એડવોકેટ રાહુલ વી.મોદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પતિએ પત્નીને ક્યારેય છોડીને ગયા નથી, પરંતુ પત્નીએ જ પતિને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પત્ની PTC ભણેલી છે, નોકરી કરી ચૂકી છે અને સ્કૂલમાં કલાર્ક પણ રહી ચૂકી છે, એટલે તે પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ છે. પતિ પોતે સિનિયર સિટીઝન છે અને હાલમાં કોઈ સ્થાયી આવક ધરાવતા નથી. બંનેને દીકરાઓ દર મહિને 10-10 હજાર રૂપિયા આપે છે અને બંને પોતાના દીકરાઓના ઘરે રહે છે. કોર્ટે નોંધ્યું કે પત્નીએ પોતાનો ચોક્કસ માસિક ખર્ચ જાહેર કર્યો નથી કે બેંક ખાતાની વિગતો રજૂ કરી નથી. કોર્ટના અવલોકન મુજબ પત્ની કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી હતી.
ચુકાદામાં કોર્ટએ સ્પષ્ટ કર્યું કે બંને સિનિયર સિટીઝન હોવા અને દીકરાઓ તરફથી આર્થિક સહાય મળતી હોવા છતાં પતિ પર વધારાનો આર્થિક ભાર મૂકવો યોગ્ય નથી. અરજી પતિને હેરાન કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હોવાનું કોર્ટએ નોંધ્યું.કોર્ટએ વધુમાં ઉલ્લેખ કર્યો કે જ્યારે પત્ની ભગવાન પાસે પતિના મૃત્યુ માટે પ્રાર્થના કરતી હોવાની વાત સ્વીકારવામાં આવી છે, ત્યારે ભરણપોષણની માંગ કરવી ગેરબાજબી ગણાય.આ સાથે જ કોર્ટએ પત્નીનો ભરણપોષણનો દાવો ફગાવી દીધો.

