ETV Bharat / state

અમદાવાદના નવરંગપુરામાં ફ્લેટમાંથી વિદેશી પ્રાણી-પક્ષીઓના ગેરકાયદેસર બ્રીડિંગ અને વેચાણના રેકેટનો પર્દાફાશ

નવરંગપુરાના 'રાવલભાઈ એપાર્ટમેન્ટ'માં દરોડો પાડી, રહેણાંક મકાનમાં અત્યંત જોખમી અને ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા પ્રજનન અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે.

ફ્લેટમાંથી વિદેશી પક્ષી-પ્રાણીઓ મળ્યા
ફ્લેટમાંથી વિદેશી પક્ષી-પ્રાણીઓ મળ્યા (Ahmedabad Crime Branch)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 1, 2026 at 9:12 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે નવરંગપુરા વિસ્તારના 'રાવલભાઈ એપાર્ટમેન્ટ'માં દરોડો પાડી, રહેણાંક મકાનમાં અત્યંત જોખમી અને ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા પ્રજનન અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે.

જપ્ત કરવામાં આવેલા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓની વિગત:

તપાસ દરમિયાન રહેણાંક ફ્લેટના પાંજરાઓમાંથી નીચે મુજબની વિવિધ પ્રજાતિના મોંઘા અને દુર્લભ જીવો મળી આવ્યા છે. વિદેશી પ્રાણીઓમાં અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન (Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, પર્સિયન કેટ (Persian Cats) અને તેના બચ્ચાં (7), નાના-મોટા હૅમ્સ્ટર (14), મીની લો સસલા (15) અને લેધર લેબ ડ્વાર્ફ (9) જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

વિદેશી પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા આફ્રિકન ગ્રે પેરોટ 6, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ 5, એક્લેક્ટસ પેરોટ 3, સન કોનીપોર 4, ગાલા કોકાટુ 2, સલ્ફર કોકાટુ 1, તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યા છે.

આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા 'પરિવેશ' (PARIVESH) પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ અધૂરા અને શંકાસ્પદ જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની બાયોસિક્યુરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વિના આટલી મોટી સંખ્યામાં જંગલી અને વિદેશી જીવો રાખવા એ 'ઝૂનોટિક' રોગો ફેલાવવાનું મોટું જોખમ ઊભું કરે છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. રહેણાંક મકાનનો ઉપયોગ વ્યવસાયિક સંવર્ધન માટે કરવો એ પણ ગંભીર નિયમભંગ છે.

આ સમગ્ર મામલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમો અને જાહેર આરોગ્યના જોખમોને ધ્યાને લેતા, આ અંગેની વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), વન વિભાગ (Forest Department) અને કસ્ટમ્સ વિભાગ (Customs Department) ને સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. આ ત્રણેય વિભાગો સાથે મળીને દસ્તાવેજોની ખરાઈ, આયાતની કાયદેસરતા અને રહેણાંક વિસ્તારમાં આરોગ્યના જોખમો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.

આ પણ વાંચો:

  1. 'દુબઇ આવવાનું ટાળજો', UAEમાં રિયલ એસ્ટેટનું કામ કરતા માંગરોળના યુવકે પરત ફરવાનું ટાળ્યું
  2. સગીરા સાથે દુષ્કર્મ, જુનાગઢ કોર્ટે આરોપીને ફટકારી છ મહિનાની સખત કેદની સજા