અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી 2026: શાહીબાગ વોર્ડમાં વિકાસના કેટલા કામો થયા?, લોકોનો મિજાજ શું છે?
રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા ત્રણ ટર્મથી અહીં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

Published : April 16, 2026 at 6:37 PM IST
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો માહોલ જામ્યો છે. શહેરના શાહીબાગ વોર્ડની વાત કરીએ તો આ વિસ્તાર માત્ર રાજકીય રીતે નહીં, પરંતુ સામાજિક રીતે પણ ખૂબ જ મહત્વનો ગણાય છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલનો સમાવેશ પણ આ જ વોર્ડમાં થાય છે. સરદાર પટેલ સ્મારક, જે ભૂતકાળમાં રાજભવન તરીકે ઓળખાતું હતું, તે પણ આ વિસ્તારની ઓળખ છે.
શાહીબાગ વોર્ડમાં રાજસ્થાની જૈન સમાજનો મોટો પ્રભાવ જોવા મળે છે, સાથે દલિત, આદિવાસી, ઓબીસી અને અન્ય સમુદાયો પણ મોટા પ્રમાણમાં વસે છે. SIR બાદની યાદી મુજબ અહીં અંદાજે 76 હજાર જેટલી વસ્તી છે. જેમાં દલિત સમાજ સૌથી મોટો ભાગ ધરાવે છે.
રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા ત્રણ ટર્મથી અહીં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. હાલના કોર્પોરેટર તરીકે ભરત પટેલ, પ્રતિભા જૈન, જશુ ઠાકોર અને જાસ્મિનબેન ભાવસાર છે. 2015માં પણ ચારેય સીટ ભાજપે જીતેલી હતી. મહત્વના વિસ્તારોમાં ગિરધરનગર, બળિયા લીમડી, માધુપુરા બજાર, ઘેવર કોમ્પલેક્ષ, ડફનાળા અને મોહન સિનેમા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
મુખ્ય મુદ્દાઓની સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોશ વિસ્તારોમાં વિકાસ ઝડપથી થાય છે, જ્યારે ગરીબ વિસ્તારોને અવગણવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ રસ્તા-રસ્તાની યોગ્ય સુવિધા નથી.ચાલી વિસ્તારોમાં ઘર દીઠ શૌચાલય નથી, અને કોમન શૌચાલયની હાલત પણ બેદરકાર જોવા મળે છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, સાથે ગટર ઉભરાવા અને ગટરમાં ઉંદરનો ત્રાસ પણ લોકોને પરેશાન કરી રહ્યો છે.
શાહીબાગ વોર્ડની વસ્તી: જૈન 10000, દલિત 25000, આદિવાસી 10000, ઓબીસી 8000, મુસ્મિમ 3000, હિન્દીભાષી 5000, અન્ય 10000 છે.
વિરોધ પક્ષ અને સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે વોટ નહીં તો કામ નહીં જેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. આ વચ્ચે, પૂર્વ કાઉન્સિલર મેરુભાઈ ભરવાડે જણાવ્યું કે, "આજે જે રાજનીતિ ચાલી રહી છે તે પહેલા જેવી નથી. તેમના સમયમાં ગટર લાઇન, પીવાના પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવતો હતો અને લોકોના પ્રશ્નોનો મળીને ઉકેલ લાવવામાં આવતો હતો."

સવાલ એ છે કે શાહીબાગ વોર્ડમાં વિકાસ માત્ર દેખાવ પૂરતો છે કે ખરેખર લોકોના જીવનમાં ફેરફાર લાવી રહ્યો છે?આગામી ચૂંટણીમાં આ પ્રશ્નો કેટલા અસરકારક સાબિત થશે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો...

