અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી 2026: ભાજપનું મેગા સંકલ્પ પત્ર, AI ટ્રાફિકથી ગ્રીન સિટી સુધીનો માસ્ટર પ્લાન
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આ સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું કે અમદાવાદને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવાનો આ વિઝન છે.

Published : April 16, 2026 at 4:48 PM IST
અમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે શહેર માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે, જેમાં વિકાસના મોટા દાવા અને ભવિષ્યના મહત્ત્વાકાંક્ષી પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આ સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું કે અમદાવાદને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવાનો આ વિઝન છે.
સંકલ્પ પત્રમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટને ડફનાળા થી ઈન્દિરા બ્રિજ અને ગિફ્ટ સિટી સુધી વિસ્તૃત કરવાની યોજના છે. સાથે જ 17 નવા બ્રિજ બનાવવામાં આવશે અને સુભાષબ્રિજને 8 માર્ગીય બનાવવાનો પ્લાન છે. શહેરને ફાટકમુક્ત બનાવવાનો પણ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને AI આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવાશે અને 100 જેટલા લેફ્ટ ટર્ન ખુલ્લા મુકવામાં આવશે. મેટ્રો, BRTS અને ST વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાનો પણ ઉલ્લેખ છે. ફાયર સેફ્ટી માટે 2026-27માં 15 અને 2027-28માં 13 નવા ફાયર સ્ટેશન બનાવાશે, સાથે 28 મોડલ ફાયર સ્ટેશન અને અદ્યતન સાધનો લાવવાનો પ્લાન છે.
હાઉસિંગ ક્ષેત્રમાં સૌથી મોટો દાવો એ છે કે અમદાવાદને સ્લમ મુક્ત બનાવવામાં આવશે અને 50 હજાર નવા મકાનો બનાવવામાં આવશે. પીરાણા ડમ્પ સાઈટને સંપૂર્ણ હટાવવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે. પર્યાવરણ માટે ગ્રીન કવર 12.5%થી વધારીને 18% કરવાનો લક્ષ્યાંક છે.

રેલવે લાઇનની બંને બાજુ ગ્રીન કવર વધારાશે અને કચરામાંથી બાયોગેસ તથા CNG ઉત્પન્ન કરવાની યોજના છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો પ્લાન છે, જ્યારે શહેરમાં દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવાશે.
હેલ્થ અને સોશિયલ સેક્ટરમાં પણ મોટા વાયદા કરવામાં આવ્યા છે. કેન્સર મુક્ત અભિયાન હેઠળ દીકરીઓ માટે સર્વાઈકલ કેન્સર ચેકઅપ અને રસી આપવામાં આવશે, જ્યારે 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સને મફત સારવાર આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રમાં સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની યોજના છે. સાથે જ કોર્પોરેશનની ભરતીમાં 30 ટકા મહિલા આરક્ષણ આપવામાં આવશે.

વીજળી બિલમાં 43 ટકા સુધી બચત થાય તેવા ઉપાયો કરાશે અને શહેરની 500 કિલોમીટર જેટલી જૂની લાઈનો બદલવામાં આવશે. સાથે જ ભાજપના સંકલ્પ પત્રમાં કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા ઈવેન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જગન્નાથ મંદિરના યાત્રા રૂટના વિકાસની પણ યોજના છે.
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે અને ગત ટર્મના 96 ટકા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે આ સંકલ્પ પત્ર દ્વારા અમદાવાદને નવી ઊંચાઈએ લઈ જવાનો અમારો સંકલ્પ છે.
હવે જોવાનું એ રહેશે કે ભાજપના આ મેગા વાયદાઓ મતદારોને કેટલા અસર કરે છે અને ચૂંટણીમાં તેનો શું પરિણામ આવે છે.
આ પણ વાંચો...

