જીવદયાનું કામ કરતી અમદાવાદની સંસ્થા માટે રાહતના સમાચાર, મિલકતવેરામાંથી મળશે મુક્તિ
પશુ-પક્ષીઓ માટે નિ:શુલ્ક સેવા કરતી સંસ્થાઓને મિલકતવેરા માંથી મુક્તિ આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

Published : February 25, 2026 at 5:34 PM IST
|Updated : February 25, 2026 at 6:06 PM IST
અમદાવાદ: જીવદયાનું કામ કરતી અમદાવાદની સંસ્થા માટે આનંદના સમાચાર છે. પશુ-પક્ષીઓ માટે નિ:શુલ્ક સેવા કરતી સંસ્થાઓને મિલકતવેરા માંથી મુક્તિ આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગર પાલિકાની રેવન્યુ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી અને ત્યાર બાદ આ નિર્ણય લેવાયો આવ્યો છે. આ સંસ્થા ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી હશે. ઓડિટ કરતી હશે તેને જ આ લાભ આપવામાં આવશે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનું અમલીકરણ થશે.
આ મુદ્દે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણે જીવદયા પ્રેમી છીએ અને આપણામા કરુણા રહેલી છે. શહેરમાં જે લોકો જીવદયા માટે કામ કરતા હોય અને જીવ દયાની સંસ્થાઓ ચેરિટી કમિશનર રજીસ્ટ્રાર ઓફ કંપનીમાં નોંધાયેલી હોય અને આ ટ્રસ્ટ દ્વારા હિસાબો નિયમિત રીતે ઓડિટ કરતી હોય એવી જીવદયા સંસ્થાઓને તમામ મિલકત વેરામાં મુક્તિ મળશે. રેવન્યૂ કમિટી દ્વારા આ કામને સ્ટેન્ડિંગ કમિટી તરફ રવાના કરવામાં આવી છે.
હાલ સુધીમાં 1 લાખ 67 હજારથી વધુ કરદાતાઓએ યોજનાનો લાભ લીધો છે. UPI પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, અને કુલ આવકમાંથી 60 ટકા કરતાં વધુ રકમ UPI મારફતે જમા થઈ રહી છે, જે પણ નોંધપાત્ર છે. કરદાતાઓને સમયસર એડવાન્સ ટેક્સ ભરીને 15 ટકા સુધીની રાહતનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. -અનિરુદ્ધસિંહ ઝાલા,ચેરમેન, રેવન્યુ કમિટી

