અમદાવાદના ચાંદખેડામાંથી ANTF એ હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોને ઝડપ્યા, એક ફરાર
ચાંદખેડા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 218.80 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

Published : June 2, 2026 at 7:09 AM IST
અમદાવાદ: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અમદાવાદ ઝોન પોલીસે ચાંદખેડા વિસ્તારમાંથી બે યુવકોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
ANTFની ટીમને મળેલી બાતમીના આધારે ચાંદખેડાના બળીયાદેવ મંદિરથી ટીપી 44 તરફ જતાં જાહેર રસ્તા પરથી બે યુવકોને ઝડપી પાડ્યા હતાં અને તેમની પાસેથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
ઝડપાયેલા આરોપીમાં એક કરણસિંહ રાઠોડ અડાલજમાં રહે છે. જ્યારે અન્ય આરોપી દર્શન ત્રિવેદી માણસાનો રહેવાશી છે. આ ઉપરાંત અન્ય આરોપી મનોજ રાઠોડ ગાંધીનગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બંને આરોપી પાસેથી 218.80 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત 7 લાખ 65 હજાર 800 આંકવામાં આવી છે. આ ઉપરાંત એક બુલેટ મોટર સાયકલ, ડિજીટલ વજનકાંટો, મોબાઈલ, રોકડ મળીને કુલ અંદાજીત 8 લાખ 86 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ બાબતે આરોપી વિરુદ્ધ NDPS Act 1985ની કલમ ૮(સી), ૨૦(બી)(ii)(એ), ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાંદખેડા પોલીસને સોંપવામાં આવી છે.

