'કિસાન અધિકાર યાત્રા' પર કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ સાથે ખાસ વાતચીત,જાણો 1111 ટ્રેક્ટર સાથેની યાત્રા વિશે શું કહ્યું
લાલજી દેસાઈએ આરોપ લગાવ્યો કે ભાજપ ખેડૂતોના હિત માટે નહીં પણ પૂંજીપતિઓની તરફેણમાં કામ કરે છે, અને કોંગ્રેસના ખેડૂત નેતાઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.

Published : June 17, 2026 at 7:30 PM IST
|Updated : June 17, 2026 at 10:04 PM IST
અમદાવાદ : શહેરના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી "કિસાન અધિકાર યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને 20થી વધુ ખેડૂત સંગઠનોએ આ યાત્રામાં 1111 ટ્રેક્ટર સાથે ભાગ લીધો હતો. પરંતુ, આ યાત્રા માટે સરકાર તરફથી પરમિશન નહોતું મળ્યું. યાત્રાને ઓગણજ ખાતે રોકવામાં આવી હતી, જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે માથાકુટ થઈ હતી. આ ઘટના બાદ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ Etv ભારત સાથે વિશિષ્ટ વાતચીત કરી હતી.
લાલજી દેસાઈએ વાતચીત દરમિયાન ભારતીય જનતા પાર્ટી પર ઘણા આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, દરેક આંદોલન સમયે ભાજપ પોતાનો ચહેરો છુપાવીને બીજા પક્ષોને આગળ કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ખેડૂતોના હિત માટે કામ કરતી નથી, પણ પૂંજીપતિઓની તરફેણ કરનારી સરકાર છે. તેમણે કહ્યું, "ગુજરાત હવે ગુજરાત મોડલ નથી રહ્યું, પણ મોદી મોડલ બની ગયું છે. આ સરકાર મોદી, અદાણી અને અંબાણીની સરકાર છે." તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપ હિન્દુ-મુસ્લિમની વાતો કરીને ખેડૂતો અને સામાન્ય જનતાના અધિકારોને રોકવાનું કામ કરે છે. આ રેલીમાં પણ ભાજપના લોકોએ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સેવાદળ ગાંધીના માર્ગ પર અડીખમ રહ્યું અને પોલીસ-ખેડૂતો વચ્ચે લાઠીચાર્જ ન થવા દીધો.
તેમણે સ્પષ્ટતા કરી કે આ યાત્રામાં કોંગ્રેસનો એક પણ ઝંડો નહોતો, પણ કિસાન કોંગ્રેસના ઝંડા હતા. કિસાન કોંગ્રેસ પણ કોંગ્રેસની જ સંસ્થા છે અને સમગ્ર આંદોલન કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ લડ્યું હતું. લાલજી દેસાઈએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે ખેડૂત નેતા ઝુઝરદાન ગઢવી સહિત ત્રણ નેતાઓએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, કારણ કે આપ પાર્ટી 'જય જવાન જય કિસાન'ને બદલે 'મર જવાન મર કિસાન'ની નોબત લાવી દે છે.

પત્રકાર પરિષદમાં લાલજી દેસાઈએ જણાવ્યું કે, છેલ્લા 6 મહિનામાં ગામે ગામ જઈને ખેડૂતોને મળી સોમનાથ ટંકારામાં ટ્રેક્ટર યાત્રાની જાહેરાત કરવામાં આવી હતી. ખેતરોની વચ્ચે સોનાની થાળીમાં લોઢાની મેખ નાખવાની આ લડતને કારણે સરકારે 38 લાખના સ્થાને 55 લાખ રૂપિયા પ્રતિ થાંભલે આપવાની ઓફર કરી હતી. પરંતુ, ખેડૂતો 2013ના કાયદા મુજબ ભાર ભાવના 4 ગણા ભાવની માંગણી પર અડગ છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને ભારતીય કિસાન સંઘે કારસો કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ ટ્રેક્ટર રેલી જોઈને બીજા દિવસે જોડાવાની જાહેરાત કરી અને રાજકીય સ્ટંટ કરવા માટે 'પીઠમાં ખંજર ઘોપવાનું' કામ કર્યું.
લાલજી દેસાઈએ વધુમાં કહ્યું કે ઓગણજની જગ્યા એ વિશ્રામની જગ્યા હતી, પણ આમ આદમી પાર્ટીએ ત્યાં સભા કરવાનું કહી ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા અને લાઠીચાર્જ થાય તેવા પ્રયત્નો કર્યા. કાયદો તોડી અવ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યારે ફક્ત 13 લોકો જ ખાલી જવા નીકળ્યા હતા. હજારો ખેડૂતો તેમની સાથે હતા, પણ તેઓ ગાંધીવાદી માર્ગે ચાલ્યા અને લાઠીચાર્જ ટાળ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂત આંદોલન કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ચાલુ રહેશે. સરકારને ઘેરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. તેમણે ખેડૂતોને અપીલ કરી કે, અમે ગોડસેની નીતિથી નહીં, પણ કાયદાકીય અને શાંતિપૂર્ણ રીતે લડીશું. સરકારને અલ્ટિમેટમ આપવા વિધાનસભા ઘેરવા નહીં જઈએ, પણ અમારી માંગણીઓ પૂરી કરાવવા માટે સરકાર પર દબાણ લાવીશું. આ લડાઈ ખેડૂતોના હિતમાં છે અને અમે લોકો મરણિયો જંગ ખેલવા તૈયાર છીએ.
આ પણ વાંચો...

