અમદાવાદ: 40 ગ્રામ MD ડ્રગ્સ કેસમાં આરોપીને 8 વર્ષની કેદ, 8 મહિનામાં NDPS કોર્ટની 50મી સજા
નાગોરના રહેવાસી જાવેદ અન્સારીને 40 ગ્રામ એમ.ડી. નશીલા પદાર્થ સાથે ઝડપાયા બાદ 8 વર્ષની સખત કેદ તેમજ ₹1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Published : February 27, 2026 at 12:32 PM IST
અમદાવાદ: અમદાવાદમાં નશીલા પદાર્થો પ્રતિબંધ કાયદા હેઠળ નોંધાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં વિશેષ અદાલતે કડક ચુકાદો આપ્યો છે. નાગોરના રહેવાસી જાવેદ અન્સારીને 40 ગ્રામ એમ.ડી. નશીલા પદાર્થ સાથે ઝડપાયા બાદ 8 વર્ષની સખત કેદ તેમજ ₹1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
માર્ચ 2023માં આ મામલે ગુનો DCB પોલીસ મથક ખાતે નોંધાયો હતો. ત્યારબાદ કેસની સુનાવણી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે હેઠળ આવેલી વિશેષ NDPS અદાલતમાં ચાલી હતી. અદાલતે સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોર દ્વારા રજૂ કરાયેલા પુરાવા, સાક્ષીઓ અને દલીલોને ધ્યાનમાં લઈને આરોપીને દોષિત ઠરાવ્યો હતો.
તપાસ મુજબ, ગુનાખોરી શાખાને બાતમી મળી હતી કે આરોપી નાગોરથી ગેરકાયદેસર રીતે એમ.ડી. નશીલા પદાર્થનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રામોલ વિસ્તારમાં D Mart નજીક નજર રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા ખિસ્સામાંથી 40 ગ્રામ જેટલું એમ.ડી. નશીલો પદાર્થ મળી આવ્યું હતું. આરોપી પાસે કોઈ કાનૂની પરવાનગી કે દસ્તાવેજ નહોતા.

તપાસમાં ખુલ્યું હતું કે, આ નશીલો પદાર્થ વેચાણ હેતુસર અન્ય સહઆરોપી પાસેથી નાગોરથી લાવવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત અંદાજે ₹4 લાખ હોવાનું સામે આવ્યું હતું.
અદાલતે આરોપીની ભૂમિકા, જથ્થાની માત્રા અને પુરાવાઓને ધ્યાનમાં લઈને 8 વર્ષની સખત કેદ સાથે ₹1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મહત્વની બાબત એ છે કે નશીલા પદાર્થોની વિશેષ અદાલતે છેલ્લા 8 મહિનામાં આ સાથે કુલ 50મી સજા ફટકારી છે. સતત ઝડપી સુનાવણી અને કડક ચુકાદાઓ દ્વારા અદાલત નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે દૃઢ વલણ દાખવી રહી છે.
આ પણ વાંચો:

