EXCLUSIVE: જૂના અમદાવાદના ભવ્ય દરવાજાઓ, જાણો કયા દરવાજાનો શું છે ઈતિહાસ
અમદાવાદના સંશોધક અને લેખક ડૉ. માણેક પટેલ 'સેતુ' સાથે ETV BHARTની વિશેષ વાતચીત

Published : February 26, 2026 at 6:09 AM IST
|Updated : February 26, 2026 at 11:26 AM IST
હૈદરાબાદ (તુષાર ચૌહાણ) : અમદાવાદ માત્ર એક શહેર નથી, પરંતુ ઇતિહાસના અનેક પડાવો પાર કરેલું જીવંત વારસું છે. આ શહેરને ક્યારેક કિલ્લાબંધી કરીને તેની આસપાસ ભવ્ય દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા, જે સુરક્ષા સાથે શહેરની ઓળખ પણ બન્યા. દરેક દરવાજો માત્ર પ્રવેશદ્વાર નહોતો, પરંતુ રાજાશાહી સમય, વેપાર, યુદ્ધ અને સંસ્કૃતિનો સાક્ષી રહ્યો છે. સદીઓ વીતી ગઈ, સમય બદલાયો, શહેર આધુનિક બન્યું, છતાં આ દરવાજાઓ આજે પણ ગર્વથી ઉભા રહી જૂના અમદાવાદની યાદ અપાવે છે.
અમદાવાદના સંશોધક અને લેખક ડૉ. માણેક પટેલ 'સેતુ' જેમણે ETV BHART સાથે વિશેષ વાતચીતમાં 'જૂના અમદાવાદના ભવ્ય દરવાજાઓ' એ વિષય પર પ્રકાશ પાડ્યો હતો.અમદાવાદના આ ઐતિહાસિક દરવાજાઓની અનોખી અને રસપ્રદ કહાની જાણો આ વિશેષ અહેવાલમાં....
ડૉ. માણેક પટેલ ETV BHARATની વાતચીતમાં જણાવે છે કે,"અમદાવાદ એ દરવાજાઓનું નગર છે અને એક માન્યતા છે કે અમદાવાદ કોટની અંદર જે 12 દરવાજા છે એ જ દરવાજા છે. મારી ધારણા મુજબ અમદાવાદમાં 30 થી 35 દરવાજા હશે. જેમ કે ભદ્રનો કિલ્લો તો એની અંદર પણ 8 જેટલા નાના મોટા દરવાજાઓ હતા. એની બાજુમાં આઝમખાનનો પેલેસ એના પણ 2 દરવાજા હતા, પછી એની નજીક ત્રણ દરવાજા, શહેરની ફરતે પણ અનેક દરવાજાઓ હતા."

ડૉ. માણેક પટેલ વધુમાં જણાવે છે કે,"અમદાવાદમાં હાલ હયાતી મુજબ 20 થી 22 દરવાજાઓ છે. જે મોટા મોટા દરવાજાઓ છે, તેનું બાંધકામ મોહમ્મદ બેગડાના સમયમાં થયુ હતું. એમાંના બે દરવાજા એવા છે, જેનું બાંધકામ અંગ્રેજોએ કર્યુ હતું. પ્રેમ દરવાજા અને બીજો પાંચ કૂવો દરવાજા. અંગ્રેજોએ જ્યારે રેલવે નાખી તો કોટ વિસ્તારની બહાર નાખી. એટલે નગરજનોને રેલવે સ્ટેશન જવું છે, ક્યાંથી જાય. તો એમણે પાંચ કૂવા દરવાજો બનાયો જે દરિયાપૂરનાં લોકો ક્યાંથી જાય તો પ્રેમ દરવાજો બનાવ્યો. એટલે નગરજનો માટે અંગ્રેજોએ આ બે ખાસ દરવાજા બનાવ્યા હતા. ત્રીજો એક મોટો દરવાજો જેમાં તેમણે ફેરફાર કર્યો એ દિલ્હી દરવાજા. જેની આજુબાજુમાં બે બકેટ જેવા દરવાજા છે એ અંગ્રેજોએ બનાવ્યા છે."

"બીજી રીતે વાત કરીએ તો નગરમાં જેટલી પોળો છે, એ દરેક પોળને પણ દરવાજાઓ છે. જેટલી પોળ એટલા દરવાજા છે, મોટી મોટી મસ્જિદો છે તો એને પણ દરવાજા છે. સરસપુરમાં કિલ્લો હતો, ત્યાં પણ દરવાજાઓ હતા. એટલે અમદાવાદને દરવાજાઓનું નગર એટલા માટે કહી શકાય કે જ્યાં જુઓ તો દરવાજાઓ હતા. પોળ, કિલ્લો અને કોટ એમ દરવાજાઓ હતા." - ડૉ. માણેક પટેલ, સંશોધક અને લેખક
અમદાવાદના મુખ્ય દરવાજાઓ નીચે મુજબ છે:
- દરિયાપુર દરવાજો: આ દરવાજો સુલતાન મહમૂદ બેગડાએ પોતાના નજીકના મિત્ર અને સલાહકાર દરિયા ખાનની સ્મૃતિમાં બનાવડાવ્યો હતો. આ દરવાજાનો ઉપયોગ મુખ્યત્વે સૈનિકો તેમજ વિવિધ સમૂહોના અવરજવર માટે થતો હતો.
- કાલુપુર દરવાજો: સુલતાન મહમૂદ બેગડાના સમયમાં બનાવાયેલ આ દરવાજો શહેરમાં ફળ, શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રી લાવવા-લઈ જવા માટે મહત્વપૂર્ણ માર્ગ તરીકે વપરાતો હતો.
- પાંચકુવા દરવાજો: આ દરવાજો અંગ્રેજ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરનો વિસ્તાર વધતા વેપાર અને માલસામાનની આવક-જાવક સરળ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હતો.
- રાયખડ દરવાજો: આ દરવાજાની આસપાસ આજે પણ કોટની દીવાલોના અવશેષ જોવા મળે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019માં આ દરવાજાનું પુનઃસ્થાપન (રિસ્ટોરેશન) કરવામાં આવ્યું હતું.
- ખાનપુર દરવાજો: સાબરમતી નદીના કિનારે આવેલ આ દરવાજો સુલતાનકાળમાં ભદ્રના કિલ્લાથી નદી કિનારે જવા માટેના મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હતો.
- સારંગપુર દરવાજો: આ દરવાજો શહેરનો વિસ્તાર વધતાં વેપાર તેમજ માલસામાનની હેરફેર સરળ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હતો.
- પ્રેમ દરવાજો: 19મી સદી દરમિયાન અંગ્રેજોએ આ દરવાજો બનાવ્યો હતો, જેનો મુખ્ય હેતુ શહેરમાંથી રેલવે સ્ટેશન સુધી પહોંચવાનું સરળ બનાવવાનો હતો.
- આસ્ટોડિયા દરવાજો: આ દરવાજો ‘ઢાળની પોળ’ અને ‘આશાભીલનો ટેકરો’ જેવા ઐતિહાસિક વિસ્તારોની નજીક આવેલ છે.
ડૉ. માણેક પટેલ જણાવે છે કે, "હાલમાં બે દરવાજા નથી દેખાતા જેમાં શાહપુર દરવાજો, જે નગરના વિકાસ માટે તોડી પાડવામાં આવ્યો. બીજો બારી દરવાજો ને હલીમની ખીડકી છે ત્યાં હતો. એ પણ હાલ નથી. આસ્તોડિયા ચકલાની બાજુમાં એક નાનો મહુધા દરવાજો હતો એ પણ હાલમાં નથી.એટલે નગરના વિકાસ માટે કેટલાક દરવાજા અને કોટની દીવાલ પણ તોડી પાડવામાં આવી. હાલ કોટથી રેલવેસ્ટેશન જઈએ તો ત્યાં આખી દીવાલ હાલ નથી અને ત્યાં હાલ દુકાનો બની ગઈ છે. આપણે કહીએ છીએ 12 દરવાજાઓનું નગર, પરંતુ હાલ 30 જેટલા નાના મોટા દરવાજાઓ જોવા મળે છે."
આ પણ વાંચો...

