ETV Bharat / state

અમદાવાદમાં 50 લાખની ફિલ્મી લૂંટનો પર્દાફાશ: કુખ્યાત 'છારા ગેંગ'ની માસ્ટરમાઇન્ડ મહિલા 25 લાખ સાથે પકડાઈ

દિવ્યા માત્ર આરોપીની પત્ની જ નહોતી, પરંતુ સમગ્ર ગેંગના આર્થિક વ્યવહારો સંભાળતી મહત્વની કડી હતી. તે જ ગેંગના સભ્યો વચ્ચે નાણાંની વહેંચણી કરતી હતી.

અમદાવાદમાં 50 લાખની ફિલ્મી લૂંટનો પર્દાફાશ
અમદાવાદમાં 50 લાખની ફિલ્મી લૂંટનો પર્દાફાશ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 30, 2026 at 6:33 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોક ખાતે 27 જૂનના રોજ બનેલી 50 લાખ રૂપિયાની ફિલ્મી ઢબે લૂંટના ગુનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. અકસ્માતનો ડોળ રચીને કાર રોકવી, ત્યારબાદ કારનો કાચ તોડી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ જવાની આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. ઘટનાના ગણતરીના દિવસોમાં જ પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરતાં કુખ્યાત 'છારા ગેંગ'ની સંડોવણી બહાર આવી છે.

મુખ્ય આરોપીની પત્ની પાસેથી મળ્યા 50 લાખ
તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાગડેકરની પત્ની દિવ્યા અજય ગાગડેકરની ધરપકડ કરી છે. પોલીસને તેની પાસેથી લૂંટાયેલા 50 લાખમાંથી 25 લાખ રૂપિયાની રોકડ રિકવર કરવામાં સફળતા મળી છે. આ રિકવરી કેસની સૌથી મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે.

અમદાવાદમાં 50 લાખની ફિલ્મી લૂંટનો પર્દાફાશ (ETV Bharat Gujarat)

આરોપી મહિલા ગેંગનો આર્થિક વ્યવહાર સંભાળતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દિવ્યા માત્ર આરોપીની પત્ની જ નહોતી, પરંતુ સમગ્ર ગેંગના આર્થિક વ્યવહારો સંભાળતી મહત્વની કડી હતી. ગેંગ જ્યારે પણ કોઈ લૂંટ, ચોરી અથવા અન્ય ગંભીર ગુનાને અંજામ આપતી ત્યારે લૂંટેલો મુદ્દામાલ સૌથી પહેલા દિવ્યાને સોંપવામાં આવતો હતો. ત્યારબાદ તે જ ગેંગના સભ્યો વચ્ચે નાણાંની વહેંચણી કરતી હતી. ઉપરાંત ગેંગના સભ્યો સામે ગુના નોંધાયા બાદ તેમને કોર્ટમાંથી છોડાવવા માટે વકીલોનો સંપર્ક કરવાથી લઈને કાનૂની કાર્યવાહી સુધીની જવાબદારી પણ દિવ્યા જ નિભાવતી હતી.

ગેંગ સામે 30 જેટલા ગંભીર ગુનાઓ
પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગમાં મુખ્ય આરોપી અજય ગાગડેકર ઉપરાંત પ્રતીક પાનવેકર, વિશાલ તનવાની અને શંકુલ ભોગેકર જેવા રીઢા ગુનેગારો સામેલ છે. આ ગેંગ સામે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લૂંટ, ચોરી અને ગંભીર પ્રકારના અંદાજે 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના રેકોર્ડ મુજબ ગેંગ લાંબા સમયથી સંગઠિત રીતે સંપત્તિ સંબંધિત ગુનાઓને અંજામ આપી રહી છે. આ ગેંગની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેમની સામે અગાઉ 'ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)' હેઠળ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.

ગુજસીટોક એવો કાયદો છે, જે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કડક કાર્યવાહી માટે બનાવવામાં આવ્યો છે. સતત અને આયોજનબદ્ધ રીતે ગંભીર ગુનાઓ આચરતી ગેંગ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, જેના કારણે આરોપીઓ માટે જામીન મેળવવા સહિતની કાનૂની પ્રક્રિયા વધુ કડક બની જાય છે.

મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાગડેકર
મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાગડેકર (ETV Bharat Gujarat)

ઝોન-5ના DCP જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, કૃષ્ણનગર લૂંટ કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી માહિતી અને વિવિધ પુરાવાઓના આધારે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપીની પત્ની દિવ્યા ગાગડેકરની ધરપકડ કરીને તેની પાસેથી 25 લાખ રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, લૂંટાયેલા મુદ્દામાલનું સંચાલન અને વહેંચણી કરવાની જવાબદારી દિવ્યા નિભાવતી હતી. ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં ફરાર આરોપીઓને પણ કાયદાના શિકંજામાં લેવામાં આવશે.

પોલીસ હાલ મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાગડેકર સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ વધુ તેજ બનાવી રહી છે. તપાસ દરમિયાન ગેંગના આંતરરાજ્ય કનેક્શન, અગાઉના ગુનાઓ તેમજ અન્ય સાગરીતોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં આ સંગઠિત ગુનાહિત નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. વાવ-થરાદ: પ્રેમલગ્ન કરનાર યુવક અને માતા-પિતા પર હુમલો કરી પરિજનોએ કર્યું યુવતીનું અપહરણ, 13 સામે ફરિયાદ
  2. સુરતના કીમમાં પ્રથમ વરસાદે તંત્રની તૈયારીઓની પોલ ખોલી, હોસ્પિટલ અને મંદિરોમાં ભરાયા પાણી