ગાંધીનગર બાદ સુરેન્દ્રનગરમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો, પીવાના પાણીની લાઈનમાંથી ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહીમામ
સુરેન્દ્રનગર શહેરમાં ગાંધીનગર જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વઢવાણમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી મિશ્ર થઈ આવતા હવે રોગચાળાની દસ્તક સર્જાઈ જવા પામી છે.

Published : January 6, 2026 at 10:18 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવનગર સહિતના વિસ્તારના લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા 50 કરોડથી વધુનો ખર્ચ 'નલ સે જલ' યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે. શહેરની જનતાને ચોખ્ખું અને ફિલ્ટરયુક્ત પાણી મળી રહે તે માટે 50 કરોડ મહાનગરપાલિકા દ્વારા પાણી પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ ખર્ચ પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.
પાણીની પાઈપલાઈન સાથે ગંદું પાણી નીકળી રહ્યું છે
સુરેન્દ્રનગર શહેરમાં ગાંધીનગર જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી મિશ્ર થઈ આવતા હવે રોગચાળાની દસ્તક સર્જાઈ જવા પામી છે. વઢવાણના કંસારાવાડ વિસ્તાર, મસ્જિદ ચોક, અબોલપીરનો ચોક, ધોળીપોળ સહિતના વિસ્તારોમાં હવે ગંભીર સમસ્યા સર્જાઈ છે. એક બાજુ મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે પણ એક કલાકની મર્યાદામાં પાણી શહેરીજનોને આપવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ જે પાણીની પાઇપલાઇનમાં ચોખ્ખું અને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ તે પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી આવી રહ્યું છે જેને લઇને રોગચાળો ફાટી નીકળવા પામ્યો છે અને કોલેરા, ટાઇફોઈડ, ડાયેરિયા, શરદી-ઉધરસ અને તાવના કેસોની સંખ્યામાં વધારો થયો છે.
સિવિલમાં મહિનામાં 17 હજારથી વધુ દર્દી
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ચાલુ મહિને 17 હજાર 794 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જે એક વર્ષમાં સૌથી વધુ દર્દીઓનો ઘસારો અને ઓપીડી સિવિલ હોસ્પિટલમાં ચાલુ મહિનામાં નોંધાવવા પામી છે. એક બાજુ મિશ્ર ઋતુ છે બીજી તરફ દૂષિત પાણી શહેરીજનોના ઘર સુધી પહોંચી રહ્યું છે જેને લઇને હવે રોગચાળાએ પણ દસ્તક દીધી છે.
| રોગ | દર્દીઓની સંખ્યા |
| દાંત | 731 |
| આંખ | 918 |
| જનરલ દર્દી | 11382 |
| ગાયનેક | 1283 |
| ઓર્થોપેડિક | 818 |
| કાન-નાક | 593 |
| પીડિયાટ્રીક | 1003 |
| ચામડીના રોગ | 1004 |
મહાનગર પાલિકાના એન્જિનિયર જયેશ સોલંકીએ જણાવ્યું કે, વઢવાણ SBI સામે આપણે બે-ત્રણ વખત કામ કરાવેલું છે, લિકેજ પણ કરાવ્યું છે. વાલ પણ લિકેજ હતો તે પણ કરાવ્યો. પણ હજુ સુધી ગંદુ પાણી આવે છે. આગળ કામગીરી ચાલુ છે અને ગંદુ પાણી ગોતવામાં આવી રહ્યું છે અને જો નહીં મળે તો આપણે નલ સે જલ યોજનામાં નવી લાઈન નાખેલી છે એમાંથી જોઈન્ટ આપીને સત્વરે આ ફરિયાદનો નિકાલ કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે એક બાજુ મહાનગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણીની પાઇપલાઇનમાંથી ગંદું પાણી આવી રહ્યું છે. તો બીજી બાજુ મિશ્ર ઋતુના કારણે પણ રોગોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો:

