ETV Bharat / state

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP શરદ સિંઘલ પર આરોપી કલીમ પઠાણે કર્યો હુમલો

જોઇન્ટ CP શરદ સિંઘલ પર આરોપી કલીમ પઠાણે પૂછપરછ દરમિયાન હુમલો કર્યો.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP શરદ સિંઘલ પર આરોપી કલીમ પઠાણે કર્યો હુમલો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP શરદ સિંઘલ પર આરોપી કલીમ પઠાણે કર્યો હુમલો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 2, 2026 at 6:31 PM IST

|

Updated : July 2, 2026 at 8:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇસનપુર વિસ્તારના કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચાર ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. કલીમ સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ સહિત 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ધરપકડ બાદ ચંડોળા તળાવ નજીક આરોપીની જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) અને પોલીસ ઇન્સ્પેક્ટર ઘાસુરા દ્વારા તેની સંયુક્ત પૂછપરછ ચાલી રહી હતી. પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો અને પોલીસ અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો. આરોપીએ પોતાની પાસે સંતાડેલો ચાકૂ કાઢી જોઈન્ટ પોલીસ કમિશનર પર હુમલો કરતાં તેમને ધારદાર હથિયારથી ઇજા પહોંચી હતી. ઘટનાથી પૂછપરછ રૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરોપીને કાબૂમાં લેવા માટે પોલીસ અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP શરદ સિંઘલ (ETV Bharat Gujarat)

આ દરમિયાન પોતાની તેમજ અન્ય પોલીસ અધિકારીઓની સુરક્ષા અને કાયદેસરના સ્વરક્ષણના અધિકાર હેઠળ જોઈન્ટ પોલીસ કમિશનરે પોતાની સર્વિસ પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતાં તે ઘાયલ થયો હતો અને તરત જ તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો.ઘટના બાદ ઇજાગ્રસ્ત જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ આરોપી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંનેની સારવાર ચાલી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના DCP અજીત રાજીયને જણાવ્યું હતું કે, ગેરકાયદેસર હથિયારો અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી કલીમની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ અચાનક પોલીસ અધિકારીઓ પર હુમલો કરી જીવલેણ પરિસ્થિતિ ઊભી કરી હતી. સ્વરક્ષણ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરતાં સર્વિસ વેપનમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની કાયદેસરની પ્રક્રિયા મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે આરોપી પાસેથી મળેલા ચાર ગેરકાયદેસર હથિયારો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીના ગુનાહિત નેટવર્ક અને હથિયારોના સ્ત્રોત અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

Last Updated : July 2, 2026 at 8:43 PM IST