ETV Bharat / state

કચ્છમાંથી પકડાયો રૂ. 9.72 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો આરોપી: સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની મોટી સફળતા

આ કેસમાં આરોપીઓએ વોટ્સએપ મારફતે ભોગ બનેલા વ્યક્તિને લલચાવીને મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું અને પૈસા પરત ન આપીને છેતરપિંડી આચરી હતી.

કચ્છમાંથી પકડાયો રૂ. 9.72 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો આરોપી: સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની મોટી સફળતા
કચ્છમાંથી પકડાયો રૂ. 9.72 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો આરોપી: સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની મોટી સફળતા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 15, 2025 at 8:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક મોટા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સફળતા મેળવી છે. કચ્છ જિલ્લામાંથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જે રૂ. 9.72 કરોડના ઓનલાઇન ટ્રેડિંગ સ્કેમમાં સામેલ હતો. આ કેસમાં આરોપીઓએ વોટ્સએપ મારફતે ભોગ બનેલા વ્યક્તિને લલચાવીને મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું અને પૈસા પરત ન આપીને છેતરપિંડી આચરી હતી.

સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગરમાં નોંધાયેલા આ કેસમાં, અજાણ્યા વ્યક્તિઓએ વોટ્સએપ દ્વારા ભોગ બનેલા વ્યક્તિ સાથે સંપર્ક કરીને મિત્રતા કેળવી હતી. તેઓએ પોતાને NASDAQ.US વેબસાઇટ પર USDTમાં ટ્રેડિંગ કરતા હોવાનું જણાવીને ટૂંકા સમયમાં મોટો નફો કમાવવાની લાલચ આપી હતી. શરૂઆતમાં, આરોપીઓએ અલગ-અલગ બેંક એકાઉન્ટની વિગતો મોકલીને ભોગ બનેલા વ્યક્તિને 1 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને તેમાંથી 10,000 રૂપિયા વિડ્રો કરીને તેમના ખાતામાં જમા કરાવીને વિશ્વાસ જીત્યો હતો.

આ પછી, વધુ નફો કમાવવાના બહાને રીબેટ જેવી સ્કીમોની ખોટી લાલચ આપીને અલગ-અલગ ચાર્જ વસૂલીને ભોગ બનેલા વ્યક્તિને કુલ રૂ. 8,68,44,400 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં અને 11,29,90 USDT (ભારતીય કરન્સીમાં રૂ. 1,04,38,500) વોલેટમાં રોકાણ કરાવ્યું હતું. આમ, કુલ રૂ. 9,72,82,900નું રોકાણ કરાવીને પૈસા પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં સાયબર ગેંગના એક સભ્યને કચ્છમાંથી પકડી પાડવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીનું નામ આકાશ સ/ઓ આગેશ શ્રીવાસ્તવ (ઉંમર 31 વર્ષ) છે. તેણે પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં રૂ. 1,38,82,423ના ફ્રોડના પૈસા મેળવ્યા હતા અને તેને આગળ મોકલીને કમિશન મેળવ્યું હતું. આ પૈસા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના મુખ્ય ગુનેગારોને પહોંચાડવામાં આવ્યા હતા.

આરોપી અને તેના સહયોગીઓએ મળીને પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને ગુજરાતમાં 1, ઝારખંડમાં 2, કર્ણાટકમાં 2, પોન્ડીચેરીમાં 1 અને વેસ્ટ બંગાળમાં 1 એમ કુલ 7 NCCRP પોર્ટલ પર ફરિયાદો નોંધાયેલી છે. આ તમામ કેસોમાં કુલ રૂ. 13,85,08,390નું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી 2 મોબાઇલ ફોન અને 5 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી અનુસાર, તેઓ આર્થિક લાભ મેળવવા માટે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં ફ્રોડના પૈસા જમા કરાવતા હતા. તેઓ જાણતા હતા કે આ એકાઉન્ટમાં છેતરપિંડીના પૈસા આવશે, તેમ છતાં તેઓએ બેંક વિગતો પુરી પાડીને સાયબર ક્રાઇમના ભોગ બનેલા નાગરિકોના પૈસા આગળ મોકલીને આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટને મદદ કરી હતી અને પોતાનું કમિશન મેળવ્યું હતું. આ કેસમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે નાગરિકોએ અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં ન આવવું જોઈએ અને કોઈપણ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ પહેલા વિગતોની તપાસ કરવી જોઈએ. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: