ગાંધીનગર: ઇન્ફોસીટી પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ, સગીરાને 4 લાખ વળતરનો હુકમ
ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર પોક્સો કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

Published : September 2, 2026 at 1:21 PM IST
ગાંધીનગર: ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર પોક્સો કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કૂલ 22 હજારના દંડનો હુકમ કર્યો છે. સાથે જ ભોગ બનનાર સગીરાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ
ઇન્ફૉસીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર પોક્સો કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી કમલેશકુમાર સુભાષભાઈ મોડીયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
ઇન્ફૉસીટી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 418/2024ના આ કેસમાં ફરિયાદીના જણાવ્યા મુજબ, બનાવ સમયે સગીરાની ઉંમર માત્ર 17 વર્ષની હતી. તા.23 જુલાઈ 2024ના રોજ સવારે આશરે 7 વાગ્યે આરોપી કમલેશકુમાર મોડીયાએ અપોલો સર્કલ, ગાંધીનગર ખાતેથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું.
આરોપી સગીરાને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભવાનપુર ખાતે લઈ ગયો હતો. જ્યાં લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હોવાનો કેસ પોલીસ તપાસમાં સામે આવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર બનાવ અંગે ઇન્ફૉસીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસ પોક્સો કેસ નં.52/2024 તરીકે એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટમાં ચાલી ગયો હતો.
કોર્ટની કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર સહિત અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી. સરકાર તરફે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ રજૂઆત કરી હતી કે, આરોપીને સગીરાની ઉંમર અંગે જાણ હોવા છતાં તેને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ ગંભીર ગુનો આચરવામાં આવ્યો છે. આવા ગુનાઓમાં કડક સજા કરવામાં આવે તો સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં આવા ગુનાઓ કરતાં લોકોમાં કાયદાનો ભય રહે તેવી દલીલ પણ કરવામાં આવી હતી.
તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈ કોર્ટે તા.31 જુલાઈ 2026ના રોજ આરોપીને અલગ-અલગ કલમ હેઠળ સજા સંભળાવી હતી. BNS કલમ 137(2) હેઠળ 5 વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડ, જ્યારે BNS કલમ 87 હેઠળ 7 વર્ષની સખત કેદ અને રૂ.7 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત BNS કલમ 64(1), 64(2)(એમ) તથા પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધારાની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.
કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગબનનાર સગીરાને રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો છે. આ ચુકાદાને સગીરાઓ સામેના ગંભીર ગુનાઓમાં કડક કાયદાકીય કાર્યવાહીનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:

